ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજીનાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મહારાજા જયદીપસિંહ ઉદ્યાન ખાતે યોગ કોચ રવેસીંગભાઈ દ્વારા જિલ્લા કો – ઓર્ડીનેટર રાહુલકુમાર પરમારની હાજરીમા યોગ ટ્રેનર તાલીમ વર્ગ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ગામના લોકો વહેલી સવારે યોગ શિક્ષકની તાલીમ નિઃશુલ્ક લઇ રહ્યા છે. ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ આ તાલીમ ચલાવવામાં આવી રહી છે જેનો મુખ્ય હેતુ લોકોને સ્વસ્થ અને નિરોગી રાખવાનો છે.
દેવગઢ બારીયા વિસ્તારના યુવાનો અને યુવતીઓ આ તાલીમ પૂર્ણ કરી અલગ અલગ વિસ્તારમાં યોગ વર્ગ શરૂ કરશે અને લોકોનું સ્વાસ્થ્ય જાળવી રાખવાના પ્રયાસો કરશે. આવનાર સમયમાં દરેક ગામ સુધી યોગ વર્ગ શરુ થાય તેવો લક્ષયાંક છે તે માટે આવા તાલીમ વર્ગ દાહોદ જિલ્લામાં શરુ કરવામાં આવેલ છે. આ તાલીમ લીધા પછી શૈક્ષણિક સંસ્થાઓ, શાળા કોલેજો, આયુર્વેદિક હોસ્પિટલો, સરકારી, અર્ધ સરકારી, ખાનગી જગ્યાઓ ઉપર સેવા આપી સ્વરોજગારી મેળવી શકશે. દાહોદ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં કોચો દ્વારા કુલ 7 જગ્યાઓ ઉપર તાલીમ વર્ગ શરુ કરવામાં આવેલ છે.
જેમાં દાહોદ – 2, સંજેલી – 1, લીમડી – 1, સુખસર – 1, દેવગઢ બારીયા – 1, ધાનપુર – 1 તેમજ આવનાર સમયમાં બીજા તાલુકાઓમાં પર આવી યોગ ટ્રેનર તાલીમ કક્ષાઓ શરુ કરવામાં આવશે. જિલ્લા કો – ઓર્ડીનેટર રાહુલકુમાર પરમાર તેમજ ધુળાભાઈ પારગીની દેખરેખ હેઠળ આ તમામ યોગ ટ્રેનર તાલીમ વર્ગ અને યોગ કક્ષાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.


