THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવવા રાજય સરકાર હંમેશા તત્પર – મંત્રી બચુભાઇ ખાબડ
દાહોદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દર શુક્રવારે જિલ્લાના અંતરીયાળ ગામમાં રાત્રી સભા યોજવામાં આવે છે અને ગામ્રજનોની રજૂઆતો, પ્રશ્નોનો પ્રત્યક્ષ નિકાલ લાવવામાં આવે છે. આ જ ક્રમમાં ધાનપુર તાલુકાના અંતરીયાળ બોઘડવા ગામે રાત્રીસભા યોજવામાં આવી હતી. આ રાત્રીસભા રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
સમગ્ર વહિવટી તંત્ર અને મંત્રી બચુભાઈ ખાબડ પણ રાત્રીસભામાં ઉપસ્થિત હોઈ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાના પ્રશ્નોની રજૂઆતો કરી હતી. રાત્રી સભામાં મુખ્યત્વે શાળાએ જવા એસ.ટી. સુવિધા, વિજળી, એમ્યુલન્સની સુવિધા વગેરે જેવા પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતો બાબતે મંત્રી બચુભાઇ ખાબડે વહેલામાં વહેલી તકે તેમના પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી અને વહિવટી તંત્રને સત્વરે પગલા લેવા સૂચનો કર્યા હતા.
રાત્રીસભામાં ગ્રામજનોને સંબોધતા મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે રાજય સરકાર પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા હંમેશા તૈયાર રહે છે. સેવાસેતુ કાર્યક્રમ પણ આ માટેનું એક મહત્વનું માધ્યમ બન્યો છે. ફકત ધાનપુર તાલુકાના જ ૫૦ હજારથી વધુ પ્રશ્નોનો નિકાલ સેવાસેતુના માધ્યમથી કરવામાં આવ્યો છે. રાજય સરકાર તમારા પ્રશ્નોનો નિકાલ કરવા માટે હંમેશા તત્પર છે પણ એ માટે તમારે જાગ્રૃકતા બતાવવી પડશે.
આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડએ ગ્રામજનોને રાજય સરકાર ની વિવિધ યોજનાઓ અને દાહોદ જિલ્લામાં થઇ રહેલી યોજનાઓ વિશે માહિતી આપી હતી.
જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ દાહોદ જિલ્લાની મહત્વ કાંક્ષી જિલ્લા તરીકે આરોગ્ય, પોષણ, પ્રાથમિક શિક્ષણ વગેરે બાબતો પર વાત કરી હતી. ધાનપુર તાલુકામાં માતામરણ-બાળમરણનું પ્રમાણ ઉચું હોય શું કરવું જોઇએ તે વિશે વિગતે માહિતી આપી હતી. બાળકોને નિયમિત શાળાએ મોકલવા અને તેમના શિક્ષણ બાબતે સજાગ રહેવા તેમણે જણાવ્યું હતું.
રાત્રીસભામાં ધાનપુર તાલુકાના તાલુકાના પ્રાંત અધિકારી, ગામના સરપંચ, અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.