ભારત દેશને આઝાદી ના ૭૫ વર્ષ પુરા થયાને પણ સમય વીતી ગયો છે. સમગ્ર ભારત દેશ અને તેમાંય ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લામાં છેવાડાના નાના ગામડાઓ સુધી ખૂબ ઉચ્ચ કક્ષાનો વિકાસ થયેલા જોવા મળે છે અને સરકારશ્રીની યોજનાઓનો લાભ પણ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે તેવી સુંદર મજાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનું નાની નાદુકણ ગામે છેલ્લા કેટલાય વર્ષોથી રસ્તા વિના અને પાણી વિના વલખાં મારતુ જોવા મળી રહ્યું છે. ગામમાં કેટલા સરકારી કર્મચારીઓ છે તો કેટલાક ધંધાદારી લોકો છે અને મોટાભાગના લોકો ખેડૂતો પણ છે. ફળિયામાં જવા-આવવા માટે આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ આરસીસી રસ્તો કે ડામર રસ્તાનું કામ પણ થયેલ જોવા મળતુ નથી.
વધારે વિગત થી વાત કરીએ તો પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા બે મહિનાથી આ ગામમાં પાણીની પાઈપલાઈન માટે ગામની વચ્ચોવચ ખોદકામ કરી અને કાચો રસ્તો પણ તોડી નાખેલ છે જેથી કરીને કોઈ પણ પ્રકારના વાહનો કે મોટરસાયકલની અવરજવર પણ થઈ શકે તેમ નથી. ગામના સામાજિક અથવા આકસ્મિક પ્રસંગોમાં કે ઇમર્જન્સી બહારગામ જવાનું થાય ત્યારે ખૂબ જ મુશ્કેલી પડતી જોવા મળે છે. જ્યારે ગામ લોકો દ્વારા સ્થાનિક સત્તા તંત્રને અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી સુધી છેલ્લા કેટલાય વર્ષોથી રજૂઆતો કરીને થાકી ગયા છે, પરંતુ તમામ જવાબદાર અને સત્તાધીશોએ આંખ આડા કાન કરીને આજ દિન સુધી આ ગામની કોઈ પણ સુવિધાઓનો વિકાસ કરેલ જોવા મળતો નથી. સરકાર દ્વારા મોટા મોટા આંકડા દર્શાવીને વિવિધ બજેટ બહાર પાડવામાં આવે છે અને વિકાસના કામોની જાહેરાત કરવામાં આવે છે, સરકારની વિવિધ યોજનાઓના મોટા મોટા બોર્ડ પણ લગાડી દેવામાં આવે છે.
તો ખરેખર સવાલ એ છે કે આવા નાનકડા ગામડાઓમાં પણ કામના નામે ખાડા અખાડા થઇ રહ્યા છે તો ખરેખર કામો ક્યા થતા હશે?
( સત્વરે ગામમાં રસ્તો અને પાણીની સુવિધા તાત્કાલિક પૂરી ન કરવામાં આવે તો ટૂંક સમયમાં જ ગામ લોકો ભેગા મળી અને જલદ આંદોલનના કાર્યક્રમો કરશે તેમાં કોઈ બેમત નથી.તેવું ગામના અગેવાનો જણાવી રહ્યા છે).
ચૂંટણીઓ આવે છે ત્યારે રાજકીય નેતાઓ અને આગેવાનો બે હાથ જોડીને મતદારો પાસે મતની આવતા જઈને મત માંગવા દોડી આવતા હોય છે. પરંતુ જ્યારે પ્રજા મુશ્કેલીમાં હોય છે અને પ્રજાની સુવિધાઓ આપવાની હોય છે ત્યારે તેઓ ક્યાં જઈને સંતાઈ જતાં હોય છે અને આવા સમયે પ્રજાએ જોવાનું અને જાગવાનો આવી ગયો છે.