દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં વિમલ ગુટકા તમાકુની બનાવટમાં વધુ રૂપિયા લઇ વેચાણ કરતા મળેલ બાતમીના આધારે પ્રાંત અધિકારી દ્વારા રેડ કરવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરામાં વિમલ તમાકુ, બીડી અને તમાકુની બનાવટ બાબતે પ્રાંત અધિકારીને માહિતી મળેલ કે ફતેપુરા રાજસ્થાનની બોર્ડર નજીક હોવાથી રાજસ્થાનમાંથી ફતેપુરામાં માલની હેરાફેરી કરી માલ લાવવામાં આવે છે અને ત્રણ ગણા ભાવે વેચવામાં આવે છે. જે વિમલ તમાકુ ગુટકાની પડીકીના દાગીનોનો ભાવ પચ્ચીસ હજારમાં મળે છે તે હાલ એક લાખને વીસ હજારમાં વેચાય છે. તથા આ લોકડાઉન દરમિયાન કોઈપણ પ્રકારની તમાકુ ઉત્પાદનની વસ્તુના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં તેને વેચવામાં આવી રહી છે. તેવી માહિતીના આધારે ઝાલોદ પ્રાંત અધિકારી એસ.ડી.ચોધરી, ફતેપુરા મામલતદાર અને સ્ટાફ દ્વારા ફતેપુરાના બજારમાં આવા વેપારીઓને ત્યાં રેડ પાડી હતી.
જે દરમિયાન વેપારીઓને ત્યાંથી બીડી, સિગારેટ, બિસ્ટોલ, રજનીગંધા સાદી અને તમાકુ, એક્સપાયરી ડેટવાળા તેલની બોટલ તથા અન્ય તમાકુની બનાવટના પેકેટો મળી આવેલ હતા. આ બાબતે પ્રાંત અધિકારીએ વેપારીઓને જણાવેલ કે આવા કપરા સમયમાં વધુ ભાવ લેવા કે વિમલ ગુટકા પડીકી કે તમાકુ બનાવટની કોઈ પણ વસ્તુ વહેંચવી નહીં. આ વખતે પહેલી વાર માહિતી મળેલ હતી એટલે અમો આ માલનો નાસ કરીયે છીએ પણ હવે પછી તમાકુની કોઈ પણ બનાવટ કે ગુટકા પકડાશે અને માલની હેરાફેરીમાં પકડાશો તો સીધા પાસાનો ઓડર કરી કેસ કરવામાં આવશે. અને ચલાવી લેવામાં આવશે નહિ. જેથી મારી તમામ વેપારીઓને વિનંતી છે કે આવા કપરા સમયમાં આવા ધંધા બંધ કરી બને તેટલું ગરીબો માટે સેવા કરો. ઠગાઈ કરીને વધુ રૂપિયા કમાવવાનું બંધ કરો. તેવું પ્રાંત અધિકારી એસ.ડી. ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
વધુમાં આવા ગોરખધંધા કરતા પકડાયેલ વેપારીઓએ પત્રકારો અને આજુ બાજુના રહીશો પર શંકા કરી એક બીજાને માથે ઢોળી મોઢા કડવા કર્યા હતા. તેવી માહિતી પણ જાણવા મળેલ છે.