THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સાગટાળામાં યોજાયેલી જિલ્લા મહેસુલ તંત્રની ચિંતન શિબિરમાં કલેક્ટર વિજય ખરાડીએ કાર્યપ્રણાલીમાં નૂતન અભિગમ દાખવવા કર્યું આહ્વાન. દેવગઢ બારિયાના સાગટાળા ખાતે વન વિભાગના પરિસરમાં જિલ્લા મહેસુલી તંત્ર દ્વારા યોજવામાં આવેલી ચિંતન શિબિરમાં જિલ્લા સમાહર્તા વિજય ખરાડીએ રોજબરોજના કામોનું નિયમોને આધિન નિરાકરણ લાવવા કેવા પ્રકારના ફેરફાર લાવવાની આવશ્યક્તા છે, તેનું મંથન કરી તેને અમલમાં લાવવા આહ્વાન કર્યું હતું અને વધુમાં તેમણે જણાવ્યું કે, મહેસુલ વિભાગ તમામ વિભાગોની માતૃ સંસ્થા છે. રાજ્ય સરકારના તમામ વિભાગો કોઇને કોઇ રીતે મહેસુલ વિભાગ સાથે સંકળાયેલા છે. એ ઉપરાંત, મહેસુલ વિભાગની પોતાની કામગીરી પણ હોય છે. જેના માટે વિવિધ નિયમોને આધિન અને સત્તા મર્યાદામાં રહી નિર્ણયો કરવાના હોય છે. આપણે કોઇ કામ કરતા હોઇએ તો તેને કેવી રીતે સરળતાથી કરી શકાય? એ અનુભવને આધારે ધ્યાન આવે છે. તેમાં શું ફેરફાર કરવા જરૂરી છે? કંઇ પુનરાવર્તિત પ્રક્રીયા ટાળવાની જરૂર છે? એ બધી બાબતો સારી રીતે જાણી શકીએ છીએ. આ પ્રકારની ચિંતન શિબિર આત્મમંથન તથા અનુભવનો નિચોડ રજૂ કરવાની તક આપે છે.
કોઇ કર્મયોગી એક વિષયની બાબતમાં નવો હોય તો તેને માર્ગદર્શન મળે છે તો બીજા વ્યક્તિના અનુભવનો યોગ્ય દિશા માં ઉપયોગ થઇ શકે છે. વળી, ચિંતન શિબિરમાં આપવામાં આવેલા વિષયો પર સામુહિક રીતે કરવામાં આવેલા બ્રેઇન સ્ટ્રોર્મિંગના નિષ્કર્ષમાં નીતિગત બાબતોમાં ફેરફાર કરવાના સૂચનો કરી શકાય છે. જેથી લોકહિતાર્થે કોઇ નીતિનિયમોમાં ફેરફાર થઇ શકે છે. અહીં નોંધવુ જોઇએ કે, આ ચિંતન શિબિરમાં એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની ફરજો અને તેને લગતા કાયદા, ATVT કેન્દ્ર, ઈ – ધરા કેન્દ્ર, જમીન મહેસુલ સંહિતા, સાંથણી, ટોચ મર્યાદા ધારો, ગણોત ધારો, સરકારી ઓફિસની ગીતા ગણાતી કચેરી કાર્યપદ્ધતિ, ફાઇલ વર્ગીકરણ અને તુમાર જેવા વિષયો ઉપર ચાર ટીમ દ્વારા ચર્ચા કરી નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો. આ ટીમનું નેતૃત્વ જિલ્લાના પ્રાંત અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમમાં મામલતદાર, નાયબ મામલતદાર, મહેસુલી કારકૂન અને તલાટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આ વિષયો ચિંતન શિબિરના દિવસે જ આપવામાં આવતા હોય છે. પણ, આ વખતે શિબિર પહેલે થી જ જે તે ટીમના સભ્યોને આપી દેવામાં આવ્યા હતા. જેની વિષયને સંપૂર્ણપણે ન્યાય આપી શકાય. સાથે, મહેસાણાના મોટિવેશનલ સ્પીકર દેવરાજ ચૌધરીનું પ્રવચન યોજાયું હતું. જેમાં તેમણે સંબંધો, કામ કરવાની સરળ પદ્ધતિ વિશે રસપ્રદ સમજણ આપી હતી.
નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે તથા મદદનીશ કલેક્ટર તેજસ પરમારે પણ ચિંતનાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વન ટીમ, વન વિઝન, વન મિશનના મંત્ર સાથે યોજાયેલી આ ચિંતન શિબિરને સફળ બનાવવા બારિયા વન વિભાગના ડી.સી.એફ. જનકસિંહ ઝાલા, એ.સી.એફ. ઋષિરાજ પુવાર, પ્રાંત અધિકારી સુથાર, મામલતદાર સંકેત પટેલ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.