લીમખેડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ આયોજિત 8 મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે “માતૃશક્તિ વંદના” કાર્યક્રમ નું આયોજન આર્ટ્સ કોલેજ લીમખેડાનાં સભાખંડમાં આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શુભ શરૂઆત આવેલ મહેમાનોનાં હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. પછી સરસ્વતી વંદના, શાબ્દિક સ્વાગત પ્રવચન બાદ પધારેલ સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પ્રાંતના મહિલા ઉપાધ્યક્ષ – પલ્લવીબેન પટેલ દ્વારા સંગઠન નો પરિચય કરાવવામાં આવ્યો હતો.લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સરોજબેન ચૌધરી એ પ્રાસંગિક પ્રવચનમાં પોતાના જીવન ની સાથે સાથે નારી શક્તિ ને ઉજાગર કરતાં પ્રેરક પ્રસંગો રજૂ કર્યા હતાં.
આજના કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરનાર દીકરીઓનું ભારત માતાનો ફોટો તથા પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા આદરણીય ધર્મેશભાઈ મહેતા (ગુજરાત પ્રાંત ધર્મજાગરણ પ્રમુખ) એ મહિલાઓની વિવિધ ક્ષેત્ર માં પ્રગતિ વિશે વિવિધ ઉદાહરણો દ્વારા સ્ત્રી નાં વિવિધ રૂપો વિશે,ઐતિહાસિક સ્ત્રી ઓના ભૂતકાળ વિશે, મહિલાઓએ પોતાનાં કર્તવ્ય વિશે સભાન બનવું જોઈએ, મહિલાઓ કંઈ રીતે આત્મનિર્ભર બની શકે ? વર્તમાન સમયમાં સમાજમાં સ્ત્રીઓનું સ્થાન વિશે એમ વિવિધ પ્રેરક પ્રસંગો દ્વારા પોતાની વાત આજના માતૃવંદના કાર્યક્રમમાં રજૂ કરી હતી.
આજના આ માતૃવંદના કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ધર્મેશભાઈ મહેતા (ગુજરાત પ્રાંત ધર્મજાગરણ પ્રમુખ), અધ્યક્ષ તરીકે કામીનાબેન પટેલ (HTAT ખાખરિયા મુખ્ય પ્રા શાળા), અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સરોજબેન ચૌધરી (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સિંગવડ /લીમખેડા), જયંતીભાઈ પરમાર (પ્રિન્સિપાલ.આર્ટ્સ કોલેજ લીમખેડા), વર્ષાબેન પટેલ (નાયબ મામલતદાર લીમખેડા), પલ્લવીબેન પટેલ (પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ), વિનીતાબેન (સિનિયર લેક્ચરર લીમખેડા કોલેજ), ડૉ. ધર્મિષ્ઠાબેન સથવારા, કલ્પેશભાઈ પટેલ (B.R.C લીમખેડા), તાલુકાની વિવિધ શાખાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષિકા બહેનો, કોલેજ પરિવાર લીમખેડાનાં અધ્યાપકશ્નીઓ, લીમખેડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમના રાજ્ય, જિલ્લાના તથા તાલુકાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રીમતિ જાગૃતિબેન પાઠકે કર્યું હતું.