
લોકડાઉન દરમિયાન પંચાયત તંત્ર દ્વારા બનાવેલ ગટરના અધુરા કામથી લોકોમાં નારાજગી.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે લોકડાઉન દરમિયાન મુખ્ય માર્ગ પર ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે છેલ્લા બે માસ જેટલો સમય વિતી ગયો છતાં પણ કામ પૂર્ણ ન થતા લોકોમાં નારાજગી જોવા મળી હતી.
ગત તા.૧૩/૦૬/૨૦૨૦ ને શનિવારના રોજ એક મહિલા ખુલ્લી ગટરમાં પડી જતાં આસપાસના લોકોએ દોડી જઇ ગટરમાંથી બહાર કાઢી હતી. સદનસીબે મહિલાને કોઈ મોટી ઈજા થઈ ન હતી. તો સંજેલી તાલુકા વહીવટી તંત્ર શું આ ખુલ્લી ગટરમાં કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે❓આ બાબતે તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને કુંભકર્ણ ની નિદ્રામાં હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. શું તંત્ર આ બાબતે કોઈ પગાલા ભરશે ખરું?
સંજેલી તાલુકા મથકે પંચાયત તંત્ર દ્વારા ગટર અને સાફ સફાઇના કામોમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. ગ્રામજનોની વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સંજેલી રાજમહેલ રોડથી પોલીસ સ્ટેશન થઇ બસ સ્ટેન્ડ સુધી ની ગટર એક વર્ષ અગાઉ બનાવવામાં આવી હતી. ગટરનું કામ પૂર્ણ કરવામાં પંચાયતનો વહીવટ ખાડે ગયો હતો. જેના કારણે ગટર પુરાઈ ગઈ હતી. જેના કારણે સરકારી નાણાંનો દુરુપયોગ થયો હતો ત્યારે પાંચ વર્ષ અગાઉ બનાવેલી એ જ વિસ્તારની ગટર ફરી ખુલ્લી કરી રિપેર કરી તેમાંથી ગટરના પાણી ની લાઇન બસ સ્ટેશન આદિવાસી ચોક થઇ સંતરામપુર રોડ સુધી લોકડાઉન દરમિયાન સમારકામ કરવામાં આવ્યું હતું. બોગલા નાંખી લાઇન લંબાવવામાં આવી હતી, પરંતુ ગટરના પાણી સાફ કરવા માટે બનાવેલી કુંડીઓ તેમજ ગટરો ખુલ્લી મૂકી દેતા આસપાસના લોકો તેમજ ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આદિવાસી ચોક વિસ્તારમાં બસ સ્ટેશન પર જ કુંડીનું ઢાકણ ન મુકાતાં બસ ચાલકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે મુખ્ય માર્ગમાં અવારનવાર તાલુકાના અધિકારીઓ પણ આ રસ્તા પરથી પસાર થતા હોય છે ત્યારે તેમને પણ આ મુખ્ય માર્ગ પરની કુંડીઓ ખુલ્લી નજરે જોવા મળે છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે તાલુકા અને જિલ્લા અધિકારી દ્વારા તપાસ કરી તાત્કાલિક ગટરનું કામ પૂર્ણ કરાવે તેવી સંજેલી તાલુકાના ગ્રામજનોની માંગ છે.
સંજેલી તાલુકા મથકે પંચાયત દ્વારા લોકડાઉન દરમિયાન બનાવેલી ખુલ્લી ગટરમાં શનિવારના રોજ એક મહિલા અચાનક પડી જતાં આસપાસના દુકાનદારો દોડી આવતા મહિલાને ગટરમાંથી હેમખેમ બહાર કાઢી હતી મહિલાને નાની મોટી ઇજાઓ થઇ હતી જ્યારે મોટી ઇજાથી મહિલાનો આબાદ બચાવ થયો હતો.