Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લાના ૩૦ નંદઘરના ભૂલકા હવે આરોગશે ‘પોષણ વાટિકા’ નું શાકભાજી

દાહોદ જિલ્લાના ૩૦ નંદઘરના ભૂલકા હવે આરોગશે ‘પોષણ વાટિકા’ નું શાકભાજી

જિલ્લાની ૩૦ આંગણવાડીમાં કિચન ગાર્ડનનું નિર્માણ કરી તેમાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડાશે, વર્કરોને તાલીમબદ્ધ કરાયા.
આંગણવાડીમાં રિંગણા, તૂરિયા, ટમેટા, દૂધી, મેથી, પાલક, કોથમરી, આદુ અને હળદર જેવી શાકભાજી ઉગાડી બાળકોને અપાશે.
કેન્દ્ર સરકાર દ્વારા મહત્વાકાંક્ષી સૂચિબદ્ધ કરવામાં આવેલા દાહોદ જિલ્લાના નંદઘર એટલે કે આંગણવાડીમાં અભ્યાસ કરતા માસૂમ બાળકોને પોષણ મળી રહે તે માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાની ૩૦ આંગણવાડીમાં એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત પોષણ વાટિકાનું નિર્માણ કરવામાં આવનાર છે. આ પોષણ વાટિકા એટલે કિચન ગાર્ડનિંગ ! જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે કહ્યું કે, આ આંગણવાડી માં અભ્યાસ કરતા બાળકોને તાજા અને આરોગ્યપ્રદ શાકભાજી મળી રહે તે ઉપરાંત ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ તથા કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે પોષણ વાટિકાનું નિર્માણ કરવામાં આવનાર છે. પોષણ વાટિકામાં આંગણવાડીમાંથી નિકળતા સેન્દ્રીય કચરાનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવશે. જ્યારે, આંગણવાડીમાં વપરાયેલું પાણી કિચન ગાર્ડનને પૂરૂ પાડવામાં આવશે. નંદ ઘર આસપાસ આવેલી ખુલ્લી જમીનનો પોષણ વાટિકાના નિર્માણ માટે ઉપયોગ કરવામાં આવશે.

આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું કે, આંગણવાડીમાં પોષણ વાટિકાનો મંડપ ઉભો કરવામાં આવશે. જે રીતે ગ્રિન હાઉસ બનાવવામાં આવે છે, એ રીતે આ મંડપ નાના પાયા ઉપર ઉભો કરવામાં આવનાર છે. જેમાં પાણીની નીક, સેન્દ્રીય કચરાની પેટી, જીવંત વાડ, સૂર્યપ્રકાશ અને હવાની અવરજવર માટેની વ્યવસ્થા રહે તે રીતે પોષણ વાટિકા બનાવવામાં આવશે. પ્રાથમિક તબક્કે ધાનપુર તાલુકાની ત્રણ, ઝાલોદ તાલુકાની ૮, સંજેલીની ત્રણ, દેવગઢ બારિયા તાલુકાની ૯ અને લીમખેડા તાલુકાની સાત આંગણવાડીમાં પોષણ વાટિકા બનાવવાનું આયોજન છે. આ આંગણવાડીના યશોદા માતાઓને દાહોદ ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેતીવાડી અધિકારી એન. વી. રાઠવા દ્વારા તાલીમ આપવામાં આવી છે. આંગણવાડીમાં રિંગણા, તૂરિયા, ટમેટા, દૂધી, મેથી, પાલક, કોથમરી, આદુ અને હળદર જેવી શાકભાજી કેવી રીતે ઉગાડવી, તેની સારસંભાળ અને માવજતની તાલીમ આપવામાં આવી છે. તેનું બિયારણ પણ આપવામાં આવ્યું છે. આ ત્રણ આંગણવાડીમાં ઉક્ત સુવિધાઓ ઉભી કરવા માટે આર્થિક મદદ પણ પૂરી પાડવામાં આવશે. એટલે, નજીવા ખર્ચે આંગણવાડીમાં પોષણ વાટિકા ઉભી થશે અને બાળકોને આરોગ્યપ્રદ શાકભાજી મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments