EDITORIAL DESK – DAHOD
ભારતીય ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાન સભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ ની જાહેરાત તા.૨૫-૧૦-૨૦૧૭ થી કરવામાં આવી છે. દાહોદ જિલ્લાની છ વિધાન સભા વિસ્તારની બેઠકો માટે મતદાન તા.૧૪-૧૨-૨૦૧૭ અને મતગણતરી તા.૧૮-૧૨-૨૦૧૭ ના રોજ યોજાશે. દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિધાન સભા સામાન્ય ચૂંટણીઓની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ વિધાન સભાની ચૂંટણીઓ મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે આચાર સંહિતાના અમલ સાથે ચૂંટણી સંબંધિત અધિકારી -કર્મચારીઓને સમયાંતરે તાલીમ આપવામાં આવી રહી છે.
તદ્દનુસાર દાહોદની વિવિધ બેન્કો, રેલ્વે, પોસ્ટ, એલ.આઇ.સી. સહિત કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓ અધિકારીઓ-કર્મચારીઓની માઇક્રો ઓબ્ઝર્વર તરીકેની તાલીમ દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાઇ હતી.
આ પ્રસંગે માઇક્રો ઓબ્ઝર્વર તાલીમાર્થીઓને સંબોધતાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જે.રંજીથકુમારે જણાવ્યું હતું કે જિલ્લાના ૬ વિધાન સભા મત વિસ્તાર માટે નિયત થયેલા બુથો પર માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવશે. માઇક્રો ઓબ્ઝર્વરે એક કરતાં વધુ બુથોની દેખરેખ રાખવાની થશે. પરંતુ મોક પોલ માટે એક ચોકકસ કે સંવેદનશીલ બુથ પર ઉપસ્થિત રહેવું આવશ્યક છે. સમયાંતરે અને કોઇ ખાસ ઘટના બને ત્યારે આર.ઓ.ને અહેવાલ મોકલવો જરૂરી છે. મુશ્કેલી જણાય તો આર.ઓ.નો અથવા કંટ્રોલરૂમનો સંપર્ક કરવો. માઇક્રો ઓબ્ઝર્વરને કરવાની કામગીરી અંગે કલેક્ટરશ્રી જે.રંજીથકુમારે જરૂરી સુચનો કર્યા હતા.
આ તાલીમ દરમિયાન વિજાણુ મતદાન યંત્ર વ્યવસ્થાપન અને તાલીમ વ્યવસ્થાપન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એમ.વી.ઉપાધ્યાયે માઇક્રો ઓબ્ઝર્વરે કરવાની કામગીરી સંદર્ભે ખૂબ ચીવટાઇથી અને ઝીણવટ ભરી રીતે સમજ આપી હતી. સાથે તાલીમાર્થીઓ તરફથી પુછાતા પ્રશ્નો—રજૂઆતોનો અને સમસ્યાઓ સંદર્ભે યોગ્ય પ્રત્યુત્તરો આપી તાલીમાર્થીઓની મનમાં રહેલી મુંઝવણોને દૂર કરી હતી.
આ પ્રસંગે મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ મામલતદાર શ્રી રમેશ પરમારે EVM અને VVPAT ની નિદર્શન દ્વારા જાણકારી આપતાં જણાવ્યું હતું કે માઇક્રો ઓબ્ઝર્વરશ્રીની જવાબદારી ખૂબ જ અગત્યની છે. કોઇ બુથ પર એકપણ પોલીંગ એજન્ટ ન આવ્યા હોય ત્યારે માઇક્રો ઓબ્ઝર્વરશ્રીએ તે બુથને પ્રાથમિકતા આપવી. મતદારનું મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. તેની તકેદારી રાખવી. જે તે ફાળવેલ વિસ્તારના બુથ પર અગાઉના દિવસે પહોંચી ચકાસણી કરી લેવી. મતદાનના દિવસે સમયસર પહોંચી જવાનું રહેશે.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પી.એસ.પ્રજાપતિ અને નોડલ અધિકારી માઇક્રો ઓબ્ઝર્વર અને લીડ બેન્ક મેનેજર રજનીકાંત મુનિયાએ ચૂંટણી સંબંધિત જરૂરી સૂચનો કર્યા હતા. આ તાલીમ દરમિયાન પ્રત્યેક પાળીમાં ૩૦૦ એમ બે પાળીમાં ૬૦૦ જેટલા ઓબ્ઝર્વરશ્રીઓને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બારીકાઇ સાથે તાલીમ પૂરી પાડવામાં આવી હતી.