- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગના સયુકત ઉપક્રમે દીકરી દિવસ તથા બાળકોને ત્યજો નહિ, અમને આપો કાર્યક્રમ યોજાયો.
- ભવિષ્યમાં દીકરો દિવસ ઉજવવો પડે તેવી પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવાનું છે. : કલેક્ટરશ્રી વિજય ખરાડી
રાજય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં પણ મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી વિવિધ થીમ સાથે કરવામાં આવી રહી છે. આ ઉજવણીના બીજા દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગના સયુકત ઉપક્રમે દીકરી દિવસ તથા બાળકોને ત્યજો નહિ, અમને આપો કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં બ્લાઇંડ વેલફેર કાઉન્સીલ, દાહોદ ખાતે યોજાયો હતો.
કલેક્ટરશ્રી વિજય ખરાડીએ પ્રાંસગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ગામડા કરતા શહેરોમાં દીકરા દીકરીના જન્મનું પ્રમાણ એ ચિંતાનો વિષય છે. ભણેલા લોકોમાં પણ આ પ્રમાણ ઓછું છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારમાં પણ આ પ્રમાણ સતત ધટતું જઇ રહયું છે તે ચિંતાનો વિષય છે. મોટી કમાણી કરતા ડોકટરો પણ ગેરકાયદેસર સોનોગ્રાફી જેવા નિદાન કરી આપે છે તે ખૂબ ગંભીર બાબત છે. ડોકટરો જે ભ્રુણ હત્યામાં જોડાય છે તેમની સામું તંત્ર તો પગલા લઇ જ રહયું છે સમાજ પણ જાગૃક બને અને પુત્રની જેમ પુત્રીનું મહત્વ સમજે તે જરૂરી છે. સમાજમાં કૃત્રીમ અસમતોલન ઊભું થઇ રહયું છે જેનાથી ઘણી બધી સામાજીક સમસ્યાઓ ઉભી થઇ રહી છે. ભવિષ્યમાં દીકરો દિવસ ઉજવવો પડે તેવી પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવાનું છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.કે.પટેલે આ પસંગે જણાવ્યું હતું કે સમાજ ટેકનોલોજીનો દુરૂપયોગ કરી રહયું છે. સમાજમાં દીકરા દીકરીના પ્રમાણમાં અસમતુલા ઉભી થવાથી સમાજને જ મોટું નુકશાન થઇ રહયું છે. પુરૂષ અને સ્ત્રીનું સમાન પ્રમાણ ન હોય તો સમાજ ટકી ન શકે. અત્યારે મહિલાઓએ દરેક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. હું એક નશીબદાર પિતા છું કે મારી એક દીકરી છે તથા ડોકટર બનવા માટે ભણી રહી છે. મારા પુત્ર કરતા પણ હું તેને વધારે પ્રેમ કરૂ છું. દીકરી બોજારૂપ છે એ લોકોની ગેરમાન્યતા છે તેને તોડવાની જરૂર છે. જિલ્લાના પોલીસ વડા શ્રી હિતેષ જોયસરે આ પ્રસંગે જણાવ્યું હતું કે કેમ દીકરો બચાવો એવા કાર્યક્રમ કરવાની જરૂર નથી પડતી ? દીકરા દીકરીનું પ્રમાણ જાળવવામાં આપણે કયાં પાછા પડી રહયા છે તે આપણે વિચારવાની જરૂર છે. હવે દરેક ક્ષેત્રે દીકરા દીકરીની સમાન ભૂમિકા હોય છે. સમાજના એક જાગ્રૃક નાગરિક તરીકે આપણે આ સમસ્યાના મૂળ વિશે વિચારીને તેને દૂર કરવા પ્રયાસ કરવા જોઇએ. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર તથા ઉચ્ચ કારકિર્દી ઘડનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત એક કે બે બાળકી હોવા છતાં કુંટુંમ્બ કલ્યાણ પધ્ધતિ અપનાવનાર દંપતિઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.