EDITORIAL DESK – DAHOD
સતત વરસાદ પછીની પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગને સતત સર્તક રહેવા તાકીદ, તાલુકા અને ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિઓ સતત કાર્યરત રહે. : જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતિ સોનલ મિશ્રા
દાહોદ જિલ્લામાં વર્ષ-૨૦૧૭ માં ભારેથી અતિભારે વરસાદ સંભવિત આગાહીને પગલે આપત્તિ વ્યવસ્થાપન અંગેની-ચર્ચા સમીક્ષા બેઠક દાહોદ જિલ્લા પ્રભારી સચિવ અને ગુજરાત વાહન વ્યવહાર નિગમના વહીવટી સંચાલક શ્રીમતિ સોનલ મિશ્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના વિડિયો કોન્ફરન્સ રૂમ ખાતે યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતિ સોનલ મિશ્રાએ દાહોદ જિલ્લામાં ચોમાસાની ઋતુ-૨૦૧૭ અંતર્ગત રાજયમાં ભારેથી અતિભારે વરસાદ સંબધિત આગાહીને પગલે અને સતત બે-ત્રણ દિવસથી ચાલી રહેલા વરસાદમાં નગરપાલિકા વિસ્તારો અને ગામડાઓ સહિત ડેમોની પરિસ્થિતિનો તાગ મેળવતા જણાવ્યું હતુ કે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન, તાલુકા આપત્તિ વ્યવસ્થાપન અને ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન નું સંકલન રહેવું જરૂરી છે. તે માટે સંપર્ક નંબરો સતત કાર્યરત રહે તે જરૂરી છે. ગ્રામિણ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય તે માટે શૌચાલયોના ઉપયોગ, ઉકરડાઓ રહેઠાણથી દૂર રાખવા, મેલેરીયાની દવાઓનો છંટકાવ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર દવાનો નિયમિત પુરવઠો જળવાઇ રહે, આશાવર્કર બહેનો, આરોગ્ય સ્ટાફ આંગણવાડી કાર્યકરોને ઘર ઘર ફરી આરોગ્યની નોંધ કરવાની સૂચના સહિત સતત નિરિક્ષણ થવુ જરૂરી છે. નગરપાલિકા વિસ્તારમાં ખુલ્લી ગટરો, ખાડા ખાબોચિયામાં પાણી ભરાઇ રહેવાના કારણે મેલેરિયા સહિત અન્ય રોગો થવાની સંભાવનાને પહોંચી વળવા રાત્રિ સફાઇ, ગંદા કચરાનો નિકાલની વ્યવસ્થાઓ અંગે નગરપાલિકા તંત્રને જરૂરી સૂચનાઓ અપાઇ જવા, જિલ્લા પ્રભારી સચિવશ્રીએ તાકીદ કરી હતી. સતત વરસાદ પછીની પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગને સતત સર્તક રહેવા, તાલુકા અને ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિઓ સતત કાર્યરત રહે તેવી તાકીદ કરી હતી. તદ્ઉપરાંત પ્રભારી સચિવશ્રીએ તરવૈયા, બોટની વ્યવસ્થા, જાનમાલને નુકશાન ન થાય તે માટે તુર્તજ વિજ પુરવઠો બંધ કરવા, રસ્તાઓ ઉપર પડી જતા વૃ્ક્ષો દૂર કરવા – કપાણ કરવા સંબંધિત અધિકારી-કર્મચારીઓનો સંપર્ક થાય તે જરૂરી છે.
બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.રંજીથકુમારે જિલ્લામાં વરસાદના કારણે જિલ્લાની આપત્તિ વ્યવસ્થાપન કચેરીને સતત કાર્યરત રાખી તાલુકા અને ગ્રામ્ય સ્તરની વરસાદ, ડેમોની સપાટી અને નુકશાની, અનિચ્છનીય ઘટના, જાનમાલને નુકશાની અંગેની જાણકારી સતત મેળવવામા આવે છે. ડેમોની નિચવાશના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે જિલ્લાના જુદા જુદા તાલુકામાં વિજળી પડવાના કારણે મૃત્યુ થયેલા ૪ વ્યકતિઓને પ્રત્યેકને રૂા. ૪ લાખ લેખે કુલ રૂા.૧૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે ૧૬ પશુઓના મૃત્યુ થતાં પશુપાલકોને ૩.૨૯ લાખની સહાય ચુકવવામાં આવી હતી. જ્યારે કાચા- પાકા મકાનોના નુકશાનીના વળતર પેટે રૂા. ૧,૨૮,૮૦૦/- સહાય ચૂકવી દેવામાં આવી છે તેની કલેક્ટરશ્રીએ જાણકારી આપી હતી.
જિલ્લા પંચાયત ઇ.એમ.ઓ અને ઇ.ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. દિલિપસિંહ પટેલે આરોગ્ય વિષયક સેવાઓની વિગતો પૂરી પાડતા જણાવ્યુ હતુ કે આરોગ્યની ટીમો સતત કાર્યરત છે. પ્રાથમિક અને સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર મેડિકલ સ્ટાફની હાજરી સહિત દવાઓનો જથ્થો નિયમિત જળવાઇ રહે તે માટે સતત સંપર્ક સંકલનમાં રહી કામગીરી હાથ ધરવામાં આવી છે. આશા વર્કર બહેનો, આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે પહોંચી આરોગ્ય વિષયક જાણકારી સાથે દર્દીને દવા આપે છે. મેલેરીયા- ચાંદીપુરમ જેવા રોગોના નિયંત્રણ માટે માટીની દિવાલો વાળા ઘરોમાં દવાનો છંટકાવ કરી દેવામાં આવ્યો છે તેમ જણાવ્યુ હતુ. મેલેરિયા રોગની લોહીની સ્લાઇડો લઇ ચકાસણી કરી સારવાર આપવામાં આવે છે. નગરપાલિકા વિસ્તારમાં મેલેરિયા શાખા દ્વારા છંટકાવ, સ્વચ્છતા માટે સતત સૂચનો કરવામાં આવે છે તેમ ર્ડા. પટેલે વિગતવાર જાણકારી આપી હતી.
દાહોદ, લીમખેડા, ઝાલોદ, દેવગઢબારીયા પ્રાંત અધિકારીઓ દ્વારા વરસાદ અને ડેમોની વિગતો સહિત ડેમોની નિચવાશના ભાગોના ગામોને એલર્ટ રહેવા સહિત સંભવિત પૂર કે ભારે વરસાદમાં સરકારી શાળા કે મકાનોમાં રહેવા જમવાની સલામત વ્યવસ્થાઓની જાણકારી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલકુમાર મયાત્રા, પોલિસ અધિક્ષકશ્રી મનોજ નિનામા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એમ.ડામોર સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.