- ગામ લોકો – પદાધિકારીઓ સાથે ચર્ચા-સમીક્ષા-પૃચ્છા કરી ગામની જરૂરિયાત મુજબના વિકાસ કામોની પસંદગી થવી જોઇએ
- પ્રજાલક્ષી વિકાસ કામોની ગુણવત્તામાં કોઇ બાંધછોડ સાંખી લેવાશે નહીં
- શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
દાહોદ જિલ્લા આયોજન મંડળ અને આદિજાતિ વિકાસ મંડળની બેઠક જિલ્લા પ્રભારી અને રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સરદાર પટેલ સભાખંડ ખાતે યોજાઇ હતી.
બેઠકને સંબોધતાં મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે જે તે ગામની જરૂરિયાત મુજબ ગામ લોકો – પદાધિકારીઓ સાથે ચર્ચા-સમીક્ષા- પૃચ્છા કરી જે તે વિકાસ કામોની અગ્રતા મુજબ પસંદગી થવી જોઇએ. કોઇપણ પ્રજાલક્ષી કામોની ગુણવત્તામાં બાંધછોડ સાંખી લેવામાં નહીં આવે. અગાઉના વર્ષોના બાકી કામો ચાલુ વર્ષે પૂર્ણ કરી દેવાના રહેશે. તે માટે જે તે અમલીકરણ અધિકારી જવાબદાર બનશે. તેવી મંત્રીશ્રીએ આ તબક્કે ખાસ તાકીદ કરી હતી. ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે પીવાના પાણીની તંગીને નિવારવા નાની જુથ પાણી પુરવઠા યોજનાઓ, મોટર સાથેના બોર, હેન્ડપંપ વગેરેનું આગોતરૂ આયોજન કરી ટીમો વધારી કામો પૂર્ણ કરવા જણાવ્યું હતું.
બેઠકમાં સંજેલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી માનસિંહ ભાભોરે ગામોના આંતરિક રસ્તા, તાલુકાને જોડતા રસ્તાઅને મુખ્ય માર્ગોને જોડતા રસ્તાના કામો માટે ભંડોળ ઓછું પડતું હોવાની રજૂઆત કરતાં મંત્રીશ્રીએ સંલગ્ન અધિકારીઓ સાથે અલાયદી બેઠક યોજી તાકીદે કામો પૂર્ણ કરવા સૂચન કર્યુ હતું.
બેઠકમાં ૨૦૧૬-૧૭ ના વર્ષમાં ૧૫ ટકા વિવેકાધીન, ટી.એ.એસ.પી., ખાસ અંગભૂત અને ૫ ટકા પ્રોત્સાહક જોગવાઇ હેઠળ દાહોદ તાલુકામાં ૨૧૫ કામો માટે રૂા. ૧૪૨.૮૦ લાખ, ગરબાડા તાલુકામાં ૧૮૧ કામો માટે રૂા. ૧૩૦.૧૨ લાખ, ધાનપુર તાલુકામાં ૨૧૨ કામો માટે રૂા. ૧૩૩.૧૦ લાખ, દેવગઢબારીયા તાલુકામાં ૨૬૭ કામો માટે રૂા. ૧૬૧.૯૫ લાખ, ફતેપુરા તાલુકામાં ૧૧૧ કામો માટે ૧૪૧.૭૫ લાખ, સંજેલી તાલુકામાં ૭૮ કામો માટે ૧૪૩.૨૦ લાખ, લીમખેડા તાલુકામાં ૧૫૭ કામો માટે ૨૦૯.૩૫ લાખ જ્યારે ઝાલોદ તાલુકામાં ૨૧૩ કામો માટે રૂા. ૧૪૬.૭૦ લાખ એમ જિલ્લામાં કુલ ૧૪૩૪ કામો માટે રૂા. ૧૨૦૮.૮૭ લાખના કરવામાં આવેલ આયોજનને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.
જ્યારે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ અંતર્ગત ન્યૂ.ગુજરાત પેટર્ન હેઠળ દાહોદ તાલુકામાં ૩૩૯ કામો માટે રૂા. ૨૦૭૮.૫૪ લાખ, ગરબાડા તાલુકામાં ૨૪૯ કામો માટે રૂા. ૧૫૪૨.૦૪ લાખ, ઝાલોદ તાલુકામાં ૩૭૧ કામો માટે રૂા. ૨૦૪૫.૪૨ લાખ, સંજેલી તાલુકામાં ૧૯૯ કામો માટે રૂા. ૬૯૯.૬૪ લાખ, ફતેપુરા તાલુકામાં ૩૦૭ કામો માટે રૂા.૧૫૧૮.૫૦ લાખ, લીમખેડા તાલુકામાં ૫૨૫ કામો માટે રૂા. ૧૪૦૧.૬૬ લાખ, ધાનપુર તાલુકામાં ૪૦૫ કામો માટે રૂા. ૧૨૬૫.૫૦ લાખ જ્યારે દેવગઢબારીયા તાલુકામાં ૩૮૯ કામો માટે રૂા. ૪૯૩.૭૯ લાખ એમ જિલ્લામાં કુલ ૨૨૫૩ કામો માટે રૂા. ૧૧૨૫૯.૯૭ લાખના કરવામાં આવેલ આયોજનને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.
બેઠકમાં કલેકટર એમ.એ.ગાંધીએ જિલ્લામાં થયેલ કામગીરીની જાણકારી આપતાં અગાઉના બાકી કામોને અગ્રતાના ધોરણે સમયમર્યાદામાંપૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
બેઠકમાં મત્સ્યોધોગ અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ભુરીયા, ધારા સભ્ય સર્વે રમેશભાઇ કટારા, મિતેશ ગરાશીયા, ચંદ્રિકાબેન બારીયા, વજુભાઇ પણદા, વિંછીયાભાઇ ભુરિયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સંયુકતાબેન મોદી, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, પ્રાયોજના વહીવટદાર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી.ડી.નિનામા, અધિક કલેક્ટર કે.જે.બોર્ડર, જિલ્લા પોલીસ વડા મનોજ નિનામા, આયોજન અધિકારીશ્રી માળી, જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.