દાહોદ જિલ્લા કલેકટર જે.રંજીથકુમાર છેલ્લા ૧૧ મહિનાના ટૂંકાગાળામાં સંવેદનશીલ નિષ્ઠાવાન મહેનતુ, ખંતીલા અને ચીવટાઇથી કામ કરવાની ઉચ્ચ અધિકારી તરીકેની ફરજો બજાવી જે.રંજીથકુમારની ગુજરાત રાજય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ કમિશનર તરીકે ગાંધીનગર ખાતે બઢતી સાથે બદલી થતાં તેઓનો સન્માન સાથેનો ભાવભીનો વિદાય સમારંભ દાહોદ, મહેસુલ વિભાગ દ્વારા જલારામ પાર્ટી પ્લોટ, ગોધરા રોડ ખાતે યોજાયો હતો.
ટૂંકા ગાળામાં દાહોદ જિલ્લામાં લોકચાહના મેળવનાર જિલ્લા કલેકટર જે.રંજીથકુમારે વિદાય લેતા જણાવ્યું હતું કે કોઇપણ અધિકારીને જે તે ક્ષેત્રમાં મળેલી સફળતાનું શ્રેય તેઓની હાથ નીચેના કર્મચારીઓની નિષ્ઠાપૂર્વક અદા કરેલી ફરજોને ફાળે જાય છે. ટીમ દાહોદની ભાવના સાથે પોતાને મળેલા સન્માન બદલ આયોજકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કોઇપણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો સંવેદના સાથે હકારાત્મક વલણ અપનાવી કોઇપણ કામ હાથ પર લેવામાં આવે તો ચોકક્સ પરિણામો સાથે સફળતા મળે છે. નાનામાં નાના માણસને, અરજદારને શાંતિથી સાંભળીએ તો તેને સંતોષ થશે. દાહોદ જિલ્લાએ પ્રેમ અને સન્માન આપ્યું છે જેનું ઋણ અદા કરવા માટે પોતે કટિબધ્ધ રહેશે તેવી આ તબક્કે જે.રંજીથકુમારે ખાત્રી આપી હતી.
આ પ્રસંગે નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલે શુભેચ્છાઓ પાઠવતાં પોતે તેઓની સાથે અગાઉ બજાવેલી ફરજોને વાગોળતાં જણાવ્યું હતું કે કલેક્ટર જે.રંજીથકુમાર તમામ કામોમાં પોતે ઝીણવટભરી રીતે કાળજી લઇ સહયોગી બનવાની તેમની ભાવના કર્મયોગીને ઘણું બળ પુરું પાડી જાય છે.
જિલ્લા પોલિસ વડા પ્રેમ વીર સિંહએ શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે પોતે એક બેચના સહયાત્રી છે. તેઓની કામ કરવાની ધગશ સૌને પ્રેરણા પૂરી પાડી છે. નિવાસી અધિક કલેક્ટર આર.એમ.ખાંટે શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે કલેક્ટર જે.રંજીથકુમારે તેમનો સ્વજન યુક્ત સરળ સ્વભાવે સાથી અધિકારી, કર્મચારીઓમાં બળ પુરું પાડ્યું છે. ગ્રામિણ ક્ષેત્રોમાં રોડ, રસ્તા, લાઇટ, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી સમસ્યાઓની પોતાની કાર્યક્ષેત્રની મુલાકાત દરમિયાન નોંધી તુર્તજ તેનો અમલ કરવાની કટિબધ્ધતા જ સંવેદનશીલ અધિકારી તરીકેની છાપ તેમને છોડી છે તેને દાહોદ જિલ્લાની જાહેર જનતા ક્યારેય ભુલશે નહી.
આ પ્રસંગે દાહોદ પ્રાંત અધિકારીએ સ્વાગત પ્રવચન સાથે શુભેચ્છાઓ પાઠવતાં કલેક્ટર તરીકે જે. રંજીથકુમાર પાસેથી ઘણું શીખવા મળ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર રમેશ પરમારે તથા આભારવિધિ નાયબ કલેક્ટર મધ્યાહ્ન ભોજન અનિલ વાઘેલાએ કરી હતી.
આ વિદાય સમારોહમાં લીગલ સર્વિસ ઓથોરીટીના જજ ત્રિવેદી સાહેબ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.વી.ઉપાધ્યાય, આયોજન અધિકારી કિરણ ગેલાત, નાયબ વનસંરક્ષક ઝાલા, સંકલનના તમામ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, મહેસુલ વિભાગના તમામ અધિકારી-કર્મચારીઓએ ઉપસ્થિત રહી શાલ ઓઢાડી, ફુલહાર, પુષ્પ ગુચ્છ, મોમેન્ટો અર્પણ કરી જિલ્લા કલેક્ટર જે.રંજીથકુમારને લાગણીસહ સન્માન સાથે વિદાય આપી હતી.