સર્વશ્રેષ્ઠ ડિઝાઇન તૈયાર કરનારનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રશંસાપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવશે.
દાહોદના પ્રાકૃતિક આભૂષણ સમાન આરોગ્ય વન નગરજનોમાં પર્યટન સ્થળ તરીકે લોકપ્રિય બન્યું છે. અત્યાર સુધી હજારો લોકોએ આરોગ્ય વનની મુલાકાત લીધી છે ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વન, રાબડાલના પ્રવેશદ્વારની ડિઝાઇન તૈયાર કરવા માટે નાગરિકોને સહભાગી બનાવવાના હેતુથી આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રેષ્ઠ ડિઝાઇન તૈયાર કરનારનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રશંસાપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે, આરોગ્ય વન, રાબડાલને વધુ આકર્ષક બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર આયોજન કરી રહ્યું છે ત્યારે જિલ્લા ના આ આગવા નજરાણા સમાન આરોગ્ય વનના પ્રવેશદ્વારની ડિઝાઇન તૈયાર કરવા માટે નાગરિકોને પણ જોડવામાં આવે તો તેઓ જિલ્લાના વિકાસમાં વધુ રસ દાખવશે અને આ વિકાસ કાર્યોમાં જોડાવા માટે જાગૃત બનશે. માટે આરોગ્ય વન રાબડાલના પ્રવેશદ્વારની ડિઝાઇન તૈયાર કરવા માટે નાગરિકોને સહભાગી બનવા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. નાગરિકો આ માટે આગામી ૩૦ જુન સુધીમાં આપેલ વોટ્સઅપ નંબર ૮૯૮૦૯૩૪૧૯૧ પર પોતાની એન્ટ્રી મોકલવાની રહેશે. જિલ્લાના વિકાસ કાર્યોમાં રસ લઇ વધુમાં વધુ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે.