KEYURKUMAR PARMAR –– DAHOD
દાહોદ જીલ્લામાં આગામી દિવસોમાં પતેતી, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ગણેશ વિસર્જન વગેરે તહેવારોની ઉજવણી કરવામાં આવનાર છે. આ તહેવારો દરમિયાન કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતી યોગ્ય રીતે જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાહોદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.બી. પાંડોર દ્વારા પ્રતિબંધિત કૃત્યો કરવા / કરાવવા ઉપર પ્રતિબંધ ફરમાવતું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લા વિસ્તારમાં શસ્ત્રો, દંડા, તલવાર, ગુપ્તી, ધોકા, બંદૂક, છરો, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા શારીરિક ઇજા પહોચાડી શકાય તેવું બીજું કોઈ પણ સાધન સાથે લઈ ફરવું નહીં, કોઈ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવો નહીં કે ફોડવો નહીં, પત્થર અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ ફેકવાના ધકેલવાના યંત્રો, સાધનો સાથે લઈ જવા નહીં, એકઠા કરવા નહીં તથા તૈયાર કરવા નહીં, મનુષ્યનો આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહી, અપમાનિત કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા નહીં, અશ્લીલ ગીતો ગાવા નહીં, ટોળામાં ફરવું નહીં, જે છટાદાર ભાષણ આપવાની, ચાળા પાડવાની અથવા નકલ કરવાની તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની કે દેખાડવાની અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની કે ચાળા વગેરે કરવાની અને ચિત્રો, નિશાનીઓ તૈયાર કરવાની દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની મનાઈ છે.
આ જાહેરનામાનો ધાર્મિક વિધિ કે મરણોત્તર ક્રિયા, ફરજ પરના સરકારી કર્મચારીઓ કે જેને ફરજ ઉપર હથિયાર લઈ જવાનું, ધારણ કરવાનું હોય તેને, પોલીસ સબ ઈન્સ્પેકટર થી નીચેની પાયરીના ન હોય તેવા અધિકારીઓને જેને શારીરિક અશક્તિના કારણે લાકડી, લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યક્તિને, વ્યક્તિગત કામ માટે જતાં અધિકૃત પરવાનેદાર પરંતુ આવા પરવાનેદાર હથિયાર સાથે કોઈ પણ રાજકીય પક્ષના દેખાવોમાં ભાગ લઈ શકશે નહીં કે હથિયાર ધારણ કરી મદદ કરી શકશે નહીં, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અથવા સરકારી કામે પ્રવાસ કરતાં વાહનોને અત્રેથી /અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ખાસ કિસ્સા તરીકેની પરવાનગી ધરાવનારાઓ લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનું તા.૩૦/૦૯/૨૦૨૩ ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે અને સમગ્ર દાહોદ જિલ્લાના મહેસૂલી હદ વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમનો અનાદર કે ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર સામે કલામ – ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.