દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં ગત તા.૩૦/૦૪/૨૦૧૮ ને સોમવારના રોજ દાહોદ બસ સ્ટેશન પર સાંજના આશરે પાંચ કલાકના સુમારે સુમિત્રાબેન સુરેશભાઈ બામણ રહે. બોરખેડા લબાના ફળિયુ, તા. જી. દાહોદ હાલ રહે. સુસંગ હાઈવે, તરસાલી રોડ, આનંદ પાર્ક સોસાયટી, વડોદરા તેઓની પુત્રી સોનલ સાથે પોતાની નણંદના લગ્ન પ્રસંગમાં પહેરવા સારુ પોતાની ભાભી રેખાબેન પાસેથી ઉછીના દાગીના લાવેલા અને લગ્ન પ્રસંગ પૂર્ણ થયેલ હોઇ પાછા લીમડી નજીક આવેલ ટાંડી ગામે આપવા સારુ બસમા દાહોદ થી લીમડી જવા બસ સ્ટેશન આવેલા, ત્યારે લીમડી તરફથી બસ આવતા પેસેન્જરોની ભીડમાં કોઈકે સોનાના દાગીનાનું બોક્ષ અને અન્ય વસ્તુઓ જે મોટા ચેનવાળા થેલામાં મુકેલા તે થેલાની ચેન ખોલી ₹. ૩,૮૦,૦૦૦/- ના દાગીના કોઈ અજાણી વ્યક્તિએ નજર ચૂકવી દાગીનાનું બોક્ષ લઈ જઈ ચોરી કરી નાસી ગયેલ જે અંગે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ તથા Dy.S.P. તેજસ પટેલ નાઓની સૂચના અનુસંધાને તાત્કાલિક જિલ્લામાં નાકાબંધી કરવામાં આવેલ હતી અને પોલીસ અધિક્ષકની સુચના અનુસંધાને સી.સી.ખટાણા ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર તથા ડી-સ્ટાફના મુકેશ સુગનચંદ, મહેશભાઈ તોફાનભાઈ, કાંતિભાઈ, ભુપેન્દ્રસિંહ, વશરામ પટેલ વગેરે પોલીસ સ્ટાફની વિવિધ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાના CCTV ફૂટેજ કબજે લીધેલ અને શકદાર તરીકે બે મહિલાઓને બાતમીના આધારે ઝડપી લેવામાં આવી, જે પૈકી નિશા પર્વત ભાભોર રહે. ચીલાકોટા અને ગંગા નાનજી ગરવાલ રહે. બસ સ્ટેશન નજીક દાહોદની મહિલા પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં સઘન પુછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરેલ અને ચોરી કરેલ મુદ્દામાલ તેઓની પાસેથી કબજે કરવામાં આવેલ. આરોપી નીશા પર્વત ડામોર લોકોને શક ન પડે તે માટે નાના ત્રણ બાળકોને સાથે રાખી બસમાં ભીડના સમયે સુમિત્રાબેન સુરેશભાઈ બામણની પાછળ બસમા ચઢવાનો પ્રયત્ન કરી તેમની નજર ચૂકવીને થેલામાંથી દાગીના ભરેલ બોક્ષ ચેન ખોલી કાઢી લીધેલ અને પોતાની સાથેના ગંગાબેનને બાળક સાથે દાગીનાનું બોક્ષ પહોંચાડેલ હતું આ બનાવમાં અન્ય આરોપીઓની સંડોવણી ખુલવા પામેલ છે તેમજ આરોપીઓ દ્વારા કેટલાક ગુના આચરવામાં આવેલ તે દિશામાં તપાસ ચાલુ છે.
આમ દાહોદ પોલીસ દ્વારા ચીલ ઝડપનો નોંધાયેલો ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવેલ.