દાહોદ શહેરમાં વેપાર ઉધોગ, શહેરીકરણ, વસતી ગિચતા તથા વાહનોની સંખ્યામાં થયેલ વધારાને કારણે શહેરના માર્ગો ઉપર ટ્રાફીકનું ભારણ વધ્યું છે. શહેરમાં વેપાર ઉધોગ અને ભારે વાહનોના પ્રવેશના કારણે પણ સાકડા માર્ગો ઉપર ટ્રાફિકને લગતા પ્રશ્નો ઉદભવે છે. જેના કારણે જાહેર જનતાને અવર-જવરમાં અગવડ પડે છે. જેથી જાહેર હિતમાં શહેરના માર્ગોનો સુયોગ્ય ઉપયોગ અને ટ્રાફિકનું નિયમન કરવા આવશ્યક જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ, દાહોદ જે.રંજીથકુમારે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧) (ખ) હેઠળ દાહોદ નગર વિસ્તારમાં ટ્રાફીક નિયમન માટે આ મુજબની અમલવારી કરાવવા હુકમ કરેલ છે
તદ્નુસાર મહાત્મા ગાંધી રોડ ઉપર ગાંધી ચોકથી જનતા ચોક તરફ જતા માર્ગ ઉપર માત્ર દ્વિચકી વાહનો જ પ્રવેશ કરી શકશે. ધોડા ગાડી, ત્રણ કે ચાર પૈડાવાળા વાહનો કે અન્ય ભારે વાહનો ગાંધી ચોકથી જનતા ચોક માર્ગ ઉપર પ્રવેશ કરી શકશે નહીં કે હંકારી શકાશે નહીં. પેસેન્જર રીક્ષાઓ સવારના ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૯ઃ૦૦ કલાક સુધી આ માર્ગ ઉપર પ્રવેશ કરી શકશે નહી કે હંકારી શકશે નહી.
સવારના ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૮ઃ૦૦ કલાક સુધી પડાવથી કથીરીયા બજાર, હનુમાન બજાર તથા ગાંધીચોક તરફ ભારે વાહનોના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ભારે વાહનો સિવાયના વાહનો પડાવ તરફથી હનુમાન બજાર, કથીરીયા બજાર તથા ગાંધી ચોક તરફ હંકારી શકાશે.
હનુમાન બજારથી કથીરીયા બજાર, નિચવાસ બજાર તથા બહારપુરાથી પડાવવાળા માર્ગ ઉપર ભારે વાહનો માલ-સામાન ઉતારવા માટે ઉભા રહેવાના કારણે ટ્રાફિકમાં અડચણરૂપ થાય છે. જેથી સવારના ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૮:૦૦ કલાક સુધી આ વિસ્તારમાં ભારે વાહનોની અવર જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
ભારે વાહનો સિવાયના વાહનો ગાંધી ચોક થી દોલતગંજ બજાર, ગૈાશાળા, સોનીવાડ થઇ માર્કેટ યાર્ડ તરફ જતા માર્ગ ઉપર માત્ર પ્રવેશ કરી હંકારી શકાશે વિરૂધ્ધ દિશામાં કોઇપણ વાહનો હંકારી લઇ જઇ શકાશે નહીં.
માણેકચંદના કુવા (યાદગારચોક) થી નગરપાલિકા અને ગાંધી ચોક તરફના માર્ગ ઉપર સવારના ૦૮:૦૦ કલાકથી સાંજના ૦૯:૦૦ કલાક સુધી ભારે વાહનોના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
આ હુકમ ધી મોટર વ્હીકલ્સ એકટ ૧૯૮૮ ની કલમ-૧૧૨(૩) માં જણાવેલ વાહનો, પોલીસ-સુરક્ષા દળના વાહનો તથા આપાતકાલીન સેવાઓ સાથે સંકળાયેલ વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમ અન્ય કોઇ હુકમ કરવામાં આવે ત્યાં સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે