દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા નિષ્ઠાવાન જિલ્લા વિકાસ અધિકારી સુજલકુમાર મયાત્રાની રાજય સરકાર દ્વારા છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર તરીકે બઢતી સાથે બદલી થતાં તેઓનો ભાવભીનો વિદાય સમારંભ જિલ્લા કલેકટર જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત સંકુલ ખાતે યોજાયો હતો.
અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટર જે.રંજીથકુમારે વિદાય લેતા સુજલકુમાર મયાત્રાને શાલ ઓઢાડી, શ્રીફળ અને પુ્ષ્પગુચ્છ આપતાં બઢતી સાથે બદલી થવા બદલ શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે કોઇપણ અધિકારીને જે તે ક્ષેત્રમાં મળેલી સફળતાનું શ્રેય તેઓની હાથ નીચેના કર્મચારીઓની નિષ્ઠાપૂર્વક અદા કરેલી ફરજોને ફાળે જાય છે. ત્યારે સુજલકુમાર મયાત્રા તેઓના કાર્યક્ષેત્રમાં સફળતા પૂર્વક ફરજો અદા કરી ભવિષ્યમાં ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તેવી આશા વ્યકત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુજલકુમાર મયાત્રાએ પોતે બે વર્ષના ફરજ ગાળા દરમિયાન મહત્વની ઘટનાઓ / કાર્યક્મોને સફળ બનાવવામાં હાથ નીચેના અધિકારીઓ, કર્મચારીઓની ખંત મહેનથી અદા કરેલ ફરજોને ફાળે જાય છે. છેલ્લા બે વર્ષમાં જિલ્લાની તમામ કચેરીઓના કર્મયોગીઓનો જિલ્લાના વિકાસમાં સહયોગ રહ્યો છે. તે બદલ તેઓની ફરજોને બિરદાવી હતી.
આ વિદાય સમારોહમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.વી.ઉપાધ્યાય, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.વી.વ્યાસ વગેરેએ પ્રાસંગોચિત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્મમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ભુરીયા, ગરબાડાના ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન બારીયા, પોલિસ અધિક્ષક પ્રેમ વીર સિંહ, નિવાસી અધિક કલેક્ટર આર.એમ.ખાંટ, ડી.વાય.એસ.પી. તેજશ પટેલ, જિલ્લા પંચાયત સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ, જિલ્લા પંચાયત સદસ્યો વગેરે ઉપસ્થિત રહી શાલ ઓઢાડી, ફુલહાર, પુષ્પ ગુચ્છ, મોમેન્ટો અર્પણ કરી જિલ્લા વિકાસ અધિકારી સુજલકુમાર મયાત્રાને લાગણીસભર વિદાય આપી હતી.