અદભૂત સમયસૂચકતા અને ફરજ પ્રતિનિષ્ઠાનું ઉત્તમ દષ્ટાંત એટલે આપણી ૧૦૮ ટીમ
ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવા સતત લોકોના પ્રાણ બચાવવા માટે પ્રતિબદ્ધ રહી છે. તેવી જ એક ઘટના દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સીમળાઘસી ગામમાં 02/12/2025ની મધરાતે બની હતી. રાત્રીના 12:30 કલાકે મળેલા ઈમરજન્સી કોલ બાદ 108 ની ટીમે અદભૂત સમયસૂચકતા અને ફરજ પ્રતિનિષ્ઠાનું ઉત્તમ દષ્ટાંત પુરું પાડ્યું હતું. હા, સેવાનીયા લોકેશનની 108 એમ્બ્યુલન્સને સીમળાઘસી ગામના લુહાર ફળિયામાં એક પ્રસૂતિનો તાત્કાલિક કોલ મળ્યો હતો.
કોલ મળતાં જ પાયલોટ હિતેષભાઈ અને ઈ.એમ.ટી નીલકંઠભાઈ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા. હા, એ બાજુનો વિસ્તાર થોડો અંતરિયાળ હોવાને કારણે એમ્બ્યુલન્સ સીધી અંદર લઈ જવાની શક્યતા નહોતી. જેથી ટીમએ મહિલાને સલામત રીતે બહાર લાવવાનો પ્રયાસ કર્યો.
મહિલાને અસહ્ય પ્રસૂતિ વેદના થતા અને તપાસ દરમિયાન બાળકનું માથું બહાર આવી ચૂક્યું હોવાની ખબર પડતા, હોસ્પિટલ પહોંચવામાં જો વિલંબ થાય તો જીવલેણ સાબિત થઈ શકે એમ હતું. તેથી ઈ.એમ.ટી. નીલકંઠભાઈએ ઈ.આર.સી.પી. ડો. તુષારના ઓનલાઈન માર્ગદર્શન હેઠળ સ્થળ પર જ તાત્કાલિક ડિલિવરી કરાવી. જેમાંથી માતા અને નવજાત બંનેનો જીવ બચી ગયો. ડિલિવરી સફળ થયા બાદ માતા અને બાળકને દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ ખાતે સલામત રીતે ખસેડાયા. હાલમાં બંનેની તબિયત સંપૂર્ણપણે સ્થિર અને સ્વસ્થ છે.
108 ઈમરજન્સી સેવાના સુપરવાઈઝર મતીન ઠાકોરે માહિતી આપતાં જણાવ્યું કે, “કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિમાં ખાસ કરીને સગર્ભા મહિલાની પ્રસૂતિ સમયે રાહ જોયા વગર તરત જ 108 પર કોલ કરવો જરૂરી છે, જેથી સમયસર સારવાર મળી માતા અને બાળકનું જીવન બચાવી શકાય.”
સીમળાઘસી ગામના પરિવારજનોએ 108 ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ખરેખર, સમય સૂચકતા અને માનવ સેવા માટેની પ્રતિબદ્ધતાના કારણે આજે એક માતા અને નવજાત બાળક સુરક્ષિત છે. 108 સેવા હંમેશા જનસેવામાં તત્પર છે અને રહેશે.


