દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં ગત રાત્રીના સમયે એક મહિલા, એક પુરુષ તથા બે બાળકો ઉપર દીપડાએ કર્યો હુમલો. ધાનપુર તાલુકામાં ત્રણ દિવસમાં ૯ લોકો ઉપર દીપડાનો હુમલો.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગામોમાં લોકો ઉપર દીપડાના હુમલાનો સિલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં નવ લોકો ઉપર દીપડાએ હુમલો કર્યો છે. શુક્રવારની રાત્રિએ ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામમાં દીપડાએ હુમલો કરતાં એક બાળક સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે ગઇ કાલે શનિવારના રોજ ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં રાત્રીના સમયે નિંદર માણતા પરિવારોના ચાર લોકો ઉપર પણ દીપડાએ હુમલો કરતા તેઓ ઇજાગ્રસ્ત થતાં પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ગત તા.૧૧/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ રાત્રીના સમયે ખજુરી ગામમાં અચાનક જ દીપડો ઘુસી આવતા ગામમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ગામલોકોએ બુમાબુમ કરાતા દીપડો ભાગતા ભાગતા જે ઘર મળતું તે ઘરમાં ઘુસી જઈને કોઈપણ વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી દેતો અને બુમાબુમ થતાં ત્યાથી ભાગી જતો. આવી રીતે આ દીપડો ગામના ચાર વ્યક્તિઓ જેમાં એક મહિલા, એક પુરુષ તથા બે બાળકો ઉપર હુમલો કરી ભાગી છુટ્યો હતો. દીપડાના હુમલાનો ભોગ બનેલા એક મહિલા, એક પુરુષ સહિત બે બાળકોને ઈજાઓ થતા તેઓને ૧૦૮ મારફતે દાહોદના ઝાયડસ દવાખાનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને થતા ફોરેસ્ટ વિભાગ દ્વારા આ આદમખોર દીપડાની શોધખોળ શરૂ કરાઇ છે.