કેન્દ્ર સરકારની યોજનાઓ અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર તથા લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો પહોંચાડવાના ધ્યેય સાથે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા અને ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ જણાવ્યું હતું કે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી જન જન સુધી સરકારની વિકાસ યોજનાઓની માહિતી પૂરી પાડવાનો આશય રહેલો છે. છેવાડાના માનવી અને જન જનના કલ્યાણ થકી જિલ્લા-રાજ્યની વિકાસ ગાથામાં સહભાગી બની દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં જિલ્લા વહિવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ યાત્રા થકી સરકાર લોકોના આંગણે આવી લોકોની સમસ્યાઓ સાંભળી રહી છે. અંત્યોદયની વિચારધારા અને અંત્યોદયનો વિકાસ-ઉદય અને પરિવર્તન આવે તે દિશામાં કાર્ય કરવાની પ્રેરણા આ યાત્રા આપી રહી છે. જેમાં સૌ નાગરિકોને જોડાઈ રહ્યા છે.
મહાનુભાવોના વરદ્હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો વિડિયો સંદેશ નિહાળ્યો હતો. સૌ ગ્રામજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, પદાધિકારીઓ-અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.