દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળામાં આવેલ શ્રીમતી એમ.પી. ધાનકા આશ્રમ શાળા ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા રક્તપિત અધિકારી ડૉ આર. ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ ચાંદીપુરમ અને હિપેટાઇટિસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળાનાં વિદ્યાર્થીઓને હાલમાં ચાલી રહેલ ચાંદીપુરમ વાઇરસ વિશે વિસ્તારપૂર્વક જાણકરી આપવામાં આવી હતી.
સેન્ડફ્લાય એક એવુ જીવજંતુ છે જે ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઇંડા મુકે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં તે રહે છે.
ચાંદીપુરમ તાવના લક્ષણો જોઈએ તો બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા – ઉલ્ટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું. ઉપરાંત ચાંદીપુરમ રોગોથી બચવાના ઉપાયો માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. ૦ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.
ઉપરાંત ટીબી, એચ.આઇ.વી., સિકલ સેલ અને હિપેટાઇટિસ રોગ અંગે પણ વિગતે માહીતી આપવામાં આવી હતી. જેમાં ચેપગ્રસ્ત સોય અને શાહીનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ અને C ફેલાય છે, ટેટૂ અને કાન વિંધવા માટે સ્વચ્છ સાધનો તથા નવી સોય અને શાહીનો ઉપયોગ થાય તે સુનિશ્વિત કરો અને જાગૃત રહો અને સુરક્ષિત રહો તે વિશે માહીતિ આપવામાં આવી સાથે સાથે એચ આઇ વી ,ટીબી, સિકલસેલ જેવાં રોગો વિશે માહીતી આપવામા આવી હતી.
આ કાર્યક્રમમાં નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો હેલ્થ સ્ટાફ, ઝાયડસ મેડિકલ કોલેજના ડૉ. દિલીપ પટેલ તથા શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.