Sunday, December 29, 2024
Google search engine
HomeDahod - દાહોદનવરચિત શીંગવડ તાલુકા મથક ખાતે જિલ્લાનો ૬૮ મો વનમહોત્સવ ઉજવાયો

નવરચિત શીંગવડ તાલુકા મથક ખાતે જિલ્લાનો ૬૮ મો વનમહોત્સવ ઉજવાયો

logo-newstok-272-150x53(1)

EDITORIAL DESK – DAHOD

– રાજ્ય સરકારે દેશની આઝાદીની લડતમાં ૧૨૦૦ જેટલા આદિવાસી ભાઇઓના બલિદાનોની યાદમાં વિરાંજલી વનો ઉભા કરવામાં આવ્યાં છે.
– દેશને હરિયાળો બનાવવા માટે દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન ગુજરાત કલીન ગુજરાતના સંકલ્પ સાથે કટિબધ્ધતા વ્યક્ત કરી છે. : કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજયમંત્રી જશવંતસિંહ ભાભોર

દાહોદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો ૬૮ મો વન મહોત્સવ ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને નવરચિત શીંગવડ તાલુકાના મુખ્ય મથક શીંગવડ, જી.એલ.શેઠ હાઇસ્કુલ, શીંગવડ ખાતે આદિવાસી વાજિંત્રો ઢોલ શરણાઇ થાળી અને કુંડીની ગુંજ, ફટાકડાના ધુમ ધડાકા સાથે વિશાળ જનમેદની વચ્ચે ઉજવાયો હતો.
અધ્યક્ષસથાનેથી કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દેશને હરિયાળો બનાવવા માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગ્રીન ગુજરાત કલીન ગુજરાતના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવા – ઉછેર માટે કટિબધ્ધતા વ્યક્ત કરી છે. તેમના માર્ગદર્શન હેઠળ વૃક્ષોની માનવી સાથેની આગવી તાદાત્મયતા, ધાર્મિક ભાવનાઓને અને પર્યાવરણ જાળવણીના વિચાર સાથે ધાર્મિક/તિર્થ સ્થળોમાં ૧૬ પ્રકારના વનો ઉભા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દેશની આઝાદીની લડતમાં ૧૨૦૦ જેટલા આદિવાસી ભાઇઓના બલિદાનોની યાદમાં વિરાંજલી વનો ઉભા કરવામાં આવ્યાં છે. જેને લીધે આ સ્થળોની મહત્તાઓ વધી છે. તેને સાર્થક કરવા સહિયારા પ્રયાસોમાં દરેક નાગરિક/ વ્યક્તિઓ વૃક્ષારોપણ કરશે તો પર્યાવરણમાં આવેલી અસમતુલાઓને દૂર કરી શકાશે. અતિશય ગરમીનું મૂળભુત કારણ ઓછા થતા વનો છે. માનવીની સાથે આ સૃષ્ટિ ઉપર જીવતા દરેક જીવજંતુ પશુ પક્ષીઓને જરૂરી આબોહવા, વરસાદ માટે વૃક્ષોની જરૂરીયાત સંકળાયેલી છે. ત્યારે ગંભીરતા સાથે દરેકને આ કામગીરીમાં જોડાવા શ્રી ભાભોરે આહ્વાન કર્યુ હતુ.
ખેડા, આણંદ જેવા વિકસિત જિલ્લાના જાગૃત ખેડૂતોએ પોતાના ખેતરોના શેઢા પાળે વૃક્ષોના વાવેતરમાંથી ૫૦૦૦ કરોડની આવક ઉભી કરી છે. જિલ્લાના ખેડૂતો પણ કુટુંબના દરેક વ્યક્તિદીઠ વૃક્ષોના વાવેતર સાથે જતન કરવાની નેમ કરશે તો ઘણા સુંદર પરિણામો હાંસલ કરી શકાશે. જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ થનારી ૧૩૦૦ કરોડની કડાણાની સિંચાઇ યોજના થકી આગામી સમયમાં જિલ્લો હરિયાળો બનશે. ખેડૂતો બારે માસ ખેતી કરતા થશે. જિલ્લાની સ્થળાંત્તરની મુખ્ય સમસ્યા હલ થશે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા સંરક્ષણ માટે તારની વાડ માટેની યોજના અમલિત છે. મફત રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેનો ખેડૂતોને લાભ લેવા જણાવ્યું હતું. રાજ્ય સરકારના આવા વન મહોત્સવોની ઉજવણી થકી વન વિસ્તાર વધતાં પ્રાણી સૃષ્ટિમાં વધારા સાથે સિંહોની સંખ્યા પણ વધી છે. દેશમાં વન વિસ્તારમાં દિલ્હી ગોવા જેવા વિકસિત રાજ્યો પછી ગુજરાતે પણ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.તેનો ઉલ્લેખ કરી દાહોદ જિલ્લો હિરયાળો બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
રાજયના પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યુ હતુ કે ૧૯૫૦ થી વનમહોત્સવની ઉજવણી કરવાની શરૂઆત થઇ હતી. પરંતુ તેને ધારી સફળતા મળી ન હતી. પરંતુ રાજયના તત્કાલિન મુખ્ય મંત્રી અને દેશના હાલના વડાપ્રધાનએ વનમહોત્સવને એક ઉત્સવના રૂપમાં ૨૦૦૪થી ઉજવવાનું શરૂ કર્યુ ત્યારબાદ જનભાગીદારી સાથે મોટા પાયા પર વૃક્ષારોપણ થતાં અને વૃક્ષને ધાર્મિકભાવના સાથે, શહીદોની શહાદતો સાથે સાંકળી લેતાં વન વિસ્તારમાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ૨૦૦૪ માં ૨૫.૧ કરોડ વૃક્ષો હતા. જે ૨૦૧૪માં ૩૦.૧૪ કરોડ થયાં. સમગ્ર રાજયમાં ૧૬મી જુલાઇથી વનમહોત્સવ રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ સાંબરકાંઠા ખાતેથી શુભારંભ કર્યો હતો. ચાલુ વર્ષે ૧૦ કરોડ વૃક્ષો વાવવાનો રાજય સરકારે નિર્ધાર કર્યો છે. રાજય સરકારે વનબંધુઓ માટે જંગલની ગૌણવન પેદાશો ગુગળ, ટીમરૂ પાન, ગુંદર જેવી વન પેદાશો પર તેઓના હક્ક માટે પેસા કાયદો અમલિત કર્યો. માત્ર ટીમરૂ પાનની ૪ કરોડની ઉપજમાંથી મોટા પાયા પર નફો થયો છે. સહભાગી વન વ્યવસ્થા હસ્તકની વનમંડળીઓને પણ ખૂબ સારો નફો થયો છે. ત્યારે વૃક્ષ વાવેતરની સાથે તેના ઉછેર માટેની જવાબદારી સૌએ ઉઠાવી લેવી પડશે. તેમ રાજ્યમંત્રી ખાબડે અનુરોધ કર્યો હતો.
ગુજરાત રાજ્ય અલ્પ સંખ્યા નાંણા અને વિકાસ નિગમના ચેરમેન સુફી સંત મહેબુબઅલી બાબાસાહેબે જણાવ્યુ હતુ કે રાજય સરકારે વનમહોત્સવ સહિત અન્ય વિકાસની સાથે સંકળાયેલી શિક્ષણ, ખેતી જેવી બાબતોને ઉત્સવના સ્વરૂપમાં ઉજવવાની શરૂઆત કરી હતી. તેના સુંદર પરિણામો હાંસલ કરી શકાયાં છે. ત્યારે હજુ પણ વૃક્ષારોપણની સાથે તેના ઉછેર માટે પ્રયાસો કરીશું તો પર્યાવરણમાં આવેલા બદલાવને રોકી શકીશું. તેમ જણાવતાં કેન્દ્ર સરકારે દાહોદને ૫૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ સીટી, દાહોદ જિલ્લાના વિકાસ માટે ૧૦૦૦ કરોડના ખર્ચે વિકાસના કામો કરવા સહિત દેશની ર કરોડ મહિલાઓને ધુમાંડા મુક્ત કરાવવા મફત ગેસ વિતરણ કરવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્ર અને રાજય સરકાર સતત છેવાડાના વિસ્તારમાં વસતા આદિવાસી, પછાત, વંચિતો અને પ્રાણી-પશુઓ વગેરે માટે ચિંતિત અને પ્રયત્નશીલ છે. ત્યારે વિકાસની આ યાત્રામાં સૌને સહભાગી થવા જણાવ્યુ હતુ.
કલેક્ટર જે.રંજીથકુમારે જણાવ્યુ હતુ કે જળ અને જંગલ બચાવવા માટે સહિયારા પ્રયાસો કરીશું તો જ પર્યાવરણમાં આવેલા બદલાવના કારણે ઉભી થતી અને ભવિષ્યની સમસ્યાઓને રોકી શકીશું. તેમ જણાવતાં વનવિભાગ, દરેક સરકારી કર્મચારીને જોડીને જિલ્લાના ૬૯૬ ગામોમાં દરેક ગામમાં ૧૦૦૦ વૃક્ષો એકી સાથે એક જ દિવસે વાવવાનો નિર્ધાર કર્યો છે. તેમાં સૌને સહભાગી થવા સાથે ૧ વૃક્ષના કપાણ સામે ૧૦ વૃક્ષ વાવવા ઉછેરવા સૌએ સંકલ્પ કરીશું તો જ ભવિષ્યની સમસ્યાઓને રોકી શકીશું.
આ પ્રસંગે કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે પુંસરી ગામને વન ઉપજની પેદાશોમાંથી થયેલ આવકનો રૂા. ૧,૯૦,૭૯૭/- નો ચેક અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે દાહોદ સામાજીક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષક એન.આર.મજમુદારે સ્વાગત પ્રવચન કરતાં અને વનવિભાગની રૂપરેખા કામગીરીની વિગતો પૂરી પાડતાં જણાવ્યુ હતું કે દાહોદ જિલ્લામાં ૩૫ લાખ રોપા વાવેતરનો લક્ષ્યાંક છે તેની સામે ૬ લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. ૧૦ લાખ રોપાનું મફત વિતરણ કરવામાં આવ્યું છે. ખેડૂતોનો સહયોગ મળી રહ્યા છે. તેમ જણાવ્યું હતું. પરિક્ષેત્ર વન અધિકારી વી.એન.નાયકે આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલીયાર, ધારાસભ્ય સર્વે વિછીયાભાઇ ભુરીયા, રમેશભાઇ કટારા, ગાંધીનગર વન સંરક્ષક એન.એસ.જૈન, બારીયા વન વિભાગના નાયબ વનસંરક્ષક પી.એ.વિહોલ, લીમખેડા તાલુકા પંચાયત પ્રમુખ વજેસિંહ પલાસ, માજી ધારા સભ્ય બાબુભાઇ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, સામાજીક કાર્યકરો, સહભાગી વન વ્યવસ્થા મંડળીઓના ચેરમેનો, સભ્યો, વનવિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, શિક્ષકો, વિધાર્થીઓ, ખેડૂતભાઇ – બહેનો વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
ત્યારબાદ હાઇસ્કુલના પટાંગણમાં મંત્રી, મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે સામાજીક વનીકરણ વિભાગ દ્વારા દાહોદ ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ-૨૦૧૭ અંતર્ગત તરૂરથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments