PIYUSH GAJJAR – VIRAMGAM
ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આજે સાણંદના નેનો પ્લાન્ટ અને ફોર્ડને તાળાબંધીના કાર્યક્રમને મંજૂરી ન હોઈ અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાના કાર્યકરોને પોલીસે નેનો પ્લાન્ટની અાગળ અટકાયત કરવામાં આવી છે. કાર્યકરોએ રસ્તાની વચ્ચે બેસી જઈ ચક્કાજામ કર્યો હતો. તાળાં લઈને નીકળેલા ઠાકોર સેનાના કાર્યકરો અને અલ્પેશ ઠાકોર સાણંદ ટોલટેક્સથી અાગળ પહોંચતા પોલીસે તેઓને અટકાવ્યા હતા. નેનો પ્લાન્ટને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના એંધાણ પણ સર્જાયા હતા.
આજે સવારથી જ સાણંદથી સચાણા જતી ગાડીઓને તપાસવામાં આવી રહી હતી. રસ્તાઓ પર તાળાબંધીના વિરોધમાં પોસ્ટર્સ પણ લગાવાયાં છે. આસપાસનાં કેટલાંક ગામોના સરપંચોએ તાળાબંધીનો વિરોધ પણ કર્યો છે અને પોસ્ટર્સમાં બીજું સિંગુર નથી બનાવવાનો તેવો ઉલ્લેખ કરાયો છે. છારોડી, બોડ અને કલાણા ગામના સરપંચ સહિત કેટલાક ગામના લોકો જીઆઇડીસીના ગેટ નજીક તાળાબંધીનો વિરોધ કરવા પહોંચ્યા હતા. ગામ લોકોના જણાવ્યા અનુસાર અલ્પેશ ઠાકોર ખોટા સ્ટન્ટ કરે છે. અહીં ગામના મોટા ભાગના લોકોને રોજગારી મળે છે. સાણંદને સિંગુર નહીં બનવા દઇએ, સાણંદની શાંતિ ડહોળવાનો અલ્પેશ પ્રયાસ ન કરે તેમ પણ જણાવ્યું હતું.
કાર્યક્રમને લઇ વહેલી સવારથી જ અલ્પેશ ઠાકોરના ઘરે સેનાના કાર્યકરો ઊમટી પડ્યા હતા. સાડા નવની આસપાસ અલ્પેશ ઠાકોર મોટી સંખ્યામાં ગાડીઓના કાફલા અને કાર્યકરો સાથે સાણંદ જવા નીકળ્યો હતો. અલ્પેશ ઠાકોરે સરકારને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો યુવાનોને રોજગારી નહીં અપાય તો ૮ માર્ચે મોદીના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછાળવામાં આવશે. હવે પછી સરકારના દરેક કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવશે. સરકાર ગોળી મારવાની વાત કરે છે તો હું ગોળી ખાવા પણ તૈયાર છું, તાકાત હોય તો ગોળી મારીને બતાવે. બીજી તરફ પાટણથી આવતા ઠાકોર સેનાના કાર્યકરોની નવજીવન ચાર રસ્તા પાસેથી પોલીસે અટકાયત કરી હતી. પોલીસે અટકાયત કરતાં ઠાકોર સેનામાં રોષ જોવા મળ્યો હતો.
૧૨ જિલ્લાની પોલીસ, અમદાવાદ શહેર પોલીસ, ક્રાઇમ બ્રાંચ, ગ્રામ્ય એલસીબી, એસઓજી સહિતની ટીમો સાણંદના નેનો પ્લાન્ટ તરફ જતા રોડ પર ગોઠવી દેવાઇ હતી. ૧૨ ડીવાયએસપી, ૩૦ પીઆઇ, ૭૦ પીએસઆઇ, ૧૦૦થી વધુ કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ, ૬૪ વોટર કેનન વગેરેનો પોલીસ કાફલો નેનો પ્લાન્ટ ખાતે ખડકી દેવાયો હતો.
સાણંદ ટાટા નેનો પ્લાન્ટ તાળાબંધી મામલે અલ્પેશ ઠાકોર સહિત 200 લોકોની અટકાયત કરવામાં આવી છે. અલ્પેશની રેલીને છારોડી હાઈવે પર ઈયાવા ગામ ખાતે રોકવામાં આવી હતી. ઠાકોર સેનાના કાર્યકરોનો મોટો કાફલો ટાટા નેનોની તાળાબંધી કરવા રોડ પર ઘસી આવ્યા હતા. અને હાઈવે પર જોરશોરથી નારેબાજી કરી હતી. આ મુદ્દે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે કોઈ ઘર્ષણ કરવા નથી માંગતા, સરકાર ઉદ્યોગપતિઓને સાથ આપે છે. હું યુવાનોના મુદ્દાઓને લઈ નીકળ્યો છું. જો લોકો પાણી માંગે તો લાકડીઓ પડે છે.
ઉલ્લેખનીય છે કે, ટાટા નેનોને તાળાબંધીના કાર્યક્રમ કરવાના મામલે અલ્પેશ ઠાકોરને વિરોધનો સામનો કર્વો પડયો. ટાટાના સાણંદ સ્થિત નેનો પ્લાન્ટને તાળાબંધીનું એલાનને પગલે રસ્તા પર ઠેર-ઠેર લાગેલા પોસ્ટરનો વિરોધ કરાયો. આ સાથે જ આજુબાજુ ગામના લોકો સહિત સરપંચો રેલીના વિરુદ્ધમાં રહ્યા હતા..આ ઉપરાંત સાણંદ નેનો પ્લાન્ટને તાળાબંધી કરવા માટે લોકોએ રસ્તા પર આવીને તાળાબંધીનો વિરોધ કર્યો હતો.