Monday, January 27, 2025
Google search engine
HomeDahod - દાહોદપંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની અઘ્યક્ષતામાં સીંગવડ ખાતે જિલ્લા કક્ષાના ૭૬...

પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની અઘ્યક્ષતામાં સીંગવડ ખાતે જિલ્લા કક્ષાના ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

  • ધ્વજવંદન, પરેડ સહિત દેશ ભક્તિ ગીતો સાથેની સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય ગીતોથી ગુંજી ઉઠ્યું
  • યુવાનોએ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ માનવ વિકાસ માટે કરવો જોઈએ – પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ
  • આઝાદીની લડાઇમાં દાહોદ જિલ્લાનું મહત્વનું યોગદાન રહ્યું છે – પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ

દાહોદ જિલ્લામાં જી.એલ. શેઠ હાઈસ્કૂલની પાછળ, કોમ્યુનિટી હોલની સામે સીંગવડ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતા હેઠળ ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી. આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઇ ખાબડએ ધ્વજ વંદન કરીને તિરંગાને સલામી આપી હતી.

ત્યારબાદ પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા દાહોદ જિલ્લા પોલીસ ટીમ, હોમગાર્ડ, અશ્વ દળ, જી.આર.ડી. અને એન.સી.સી. કેડર્સ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મંત્રી બચુભાઇ ખાબડનાં પરેડ નિરીક્ષણ બાદ પ્રજાની સેવા માટે હમેંશા તત્પર રહેતી દાહોદ જિલ્લા પોલીસની ૧૦ જેટલી ટીમના ૨૨૧ જેટલા જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી.

પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડએ ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક દિવસના અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, આપણો દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ગુજરાત રાજ્યમાં સૂર્યના પ્રથમ કિરણો દાહોદ જિલ્લામા પોતાના આશિષ આપે છે એવા દાહોદ જિલ્લામાં પણ ઘણા લોકનાયકોએ પોતાના જીવનનું બલિદાન આઝાદી માટે અર્પણ કર્યું છે. આઝાદીની લડાઇમાં દાહોદ જિલ્લાનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડો.બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને સ્વાતંત્ર્ય સેનાનીએ રાષ્ટ્ર-નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ બધા નામી – અનામી શહીદોને હું ભાવપૂર્વક અંજલિ આપું છું. આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણા દૂરંદેશી બંધારણ-નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતોને અનુરુપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી હતી.

વધુમાં મંત્રી બચુભાઇએ ઉમેર્યું હતું કે, આપણું બંધારણ વિશ્વભાતૃત્વ અને સર્વ-કલ્યાણની ભાવના પર આધારિત છે. તેમાં દરેક નાગરિકના મૂળભૂત હક અને ફરજોનો ઉલ્લેખ છે, જે સર્વસમાવેશક વિકાસ માટે જરૂરી છે. મને વિશ્વાસ છે કે ૭૫ વર્ષની લોકશાહી યાત્રામાં આપણે પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘણી પ્રગતિ કરી છે. લોકશાહીના આ સંસ્કાર આપણી ભાવિ પેઢીમાં પણ મજબૂત બને તે માટે આપણે બધાએ પ્રયત્ન કરવા જોઈએ. એ સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા આપણે પાણી, જમીન અને પર્યાવરણનું રક્ષણ કરી શકીએ છીએ.

તેઓએ વધુમાં કહ્યું કે, આજે ટેકનોલોજીનો યુગ છે. ટેકનોલોજીના વિકાસ સાથે સાયબર ક્રાઈમ જેવા નવા ગુનાઓ પણ વધ્યા છે. યુવાનોએ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ માનવ વિકાસ માટે કરવો જોઈએ.

આ અવસરે દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓ તેમજ કોલેજોમાંથી આવેલ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા, જેમાં વિવિધ કરતબો સહિત આદિવાસી નૃત્ય, દેશભક્તિ ગીત પર નૃત્ય, સંગીત સાથે મલખંભ, ગુજરાતની ઓળખ સમો ગરબો, ડાંગી લોક નૃત્ય જેવા કાર્યક્રમો પ્રસ્તુત કરીને વિદ્યાર્થીઓએ આપણી ગરવી ગુર્જરીની ગાથા ગાતાં ગીતોની પ્રસ્તુતિ કરીને સમગ્ર વાતાવરણ દેશભક્તિમય કરી દીધું હતું. એ સાથે મહિલા પોલીસ જવાન દ્વારા બાઈક પર સ્ટન્ટ રજૂ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમ્યાન ૧૦૮ ની ટીમ, આંગણવાડી, આરોગ્ય, શિક્ષણ, રમત – ગમત, પોલીસ વિભાગ જેવા વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ તેમજ મહાનુભાવોના વરદ હસ્તે સન્માનપત્ર તેમજ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, શ્રેષ્ઠ કામગીરી કરનાર આ કર્મયોગીઓનું સન્માન કરીને આગળ પણ આવી રીતે કામગીરી કરતા રહે તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રી બચુભાઈ ખાબડ તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, પ્રાંત અધિકારી, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments