PRIYANK CHAUHAN – GARBADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટાડુંગરી જળાશયમાં માછલાં મારવા ગયેલા યુવાનની હોડી પવનના કારણે પાણીમાં ઊંધી વળી જતાં યુવાનનું જળાશયના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજેલ છે. આ બનાવ સંદર્ભે મૃતકની માતા દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરીયાદ નોંધાવેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, ગરબાડા તાલુકાના પાટીયા ગામના નેળ ફળિયામાં રહેતા સુરતીબેન પીદીયાભાઈ ખરાડ તેમના અઢાર વર્ષીય પુત્ર મુકેશ સાથે ખારવા ગામમાં ચુનાભાઈ ભુરીયાના ઘરે હતા. તા.૨૨/૦૬/૨૦૧૮ ના રોજ સાંજના છએક વાગ્યાના સુમારે મુકેશ મોટરસાઇકલ લઇને પાટાડુંગરી ડેમના પાણીમાં માછલાં મારવા ગયો હતો અને તેને તેની બાઈક પાટાડુંગરી ડેમના કિનારા ઉપર મૂકી હતી. તારીખ.૨૩ ના સવાર સુધી પણ મુકેશ ઘરે પરત નહીં આવતાં મુકેશની માતા તથા ચુનાભાઈ તથા કુટુંબીજનો પાટાડુંગરી ડેમ ખાતે તેની શોધખોળ કરવા ગયેલ અને ત્યાં જોયેલ તો મોટરસાઇકલ ગુંગરડી ગામની સીમમાં ડેમના કિનારા નજીક મૂકેલી હતી અને પાણીમાં ચારેબાજુ તપાસ કરતાં મુકેશના ચંપલ પાણીમાં તરતા મળી આવતા ખારવા ગામના લોકો તથા પાટીયા ગામના લોકો આવી જતાં હોડી નાંખી તરવૈયાઓની મદદથી મુકેશની તપાસ કરાવેલ પરંતુ મુકેશની લાશ મળી આવેલ નહીં. બે દિવસની ભારે જહેમત બાદ આજરોજ તા.૨૪/૦૬/૨૦૧૮ ના રોજ સવારે સાડા છએક વાગ્યાના સુમારે ગુંગરડી ગામની સીમમાં પાટાડુંગરી જળાશયના કિનારે કોહવાયેલી હાલતમાં તેની લાશ પાણી તરતી મળી આવી હતી. જે ઘટના સંદર્ભે મરણ જનાર મુકેશની માતા સુરતીબેન પીદીયાભાઈ ખરાડે ગરબાડા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવેલ હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પવનના કારણે હોડી પાણીમાં ઊંધી વળી જતાં તેમના પુત્ર મુકેશનું પાટાડુંગરી જળાશયમાં ડૂબી જવાના કારણે મોત નીપજેલ છે.