રીંગણ, મરચા, દાડમ, પપૈયા, આંબા જેવા શાકભાજી અને ફળાઉ પાકોની પ્રાકૃતિક ખેતી વડે સારુ ઉત્પાદન કરતા રમેશભાઈ પટેલ
રાજ્યને આગામી વર્ષોમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો અવિરત થઇ રહ્યા છે. પ્રગતિશીલ ખેતી કરતાં ખેડૂતો દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેના આયમો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહી છે.
અત્યારના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે, રાસાયણિક દવાઓના કારણે મધુપ્રમેહ (ડાયાબીટીઝ), કેન્સર, હ્યદયરોગ સહિતના રોગ થઇ રહ્યા છે ત્યારે એના ઉકેલ માટે બેસ્ટ વિકલ્પ એટલે પ્રાકૃતિક ખેતી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ફુલપુરા (ડાંગરીયા) ગામના પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ પટેલ પણ પ્રાકૃતિક ખેતી અપનાવી રસાયણ મુક્ત પાક પકવીને પોતાના પરિવાર સહિત અન્યોને ૧૦૦ % ચોખ્ખું કહી શકાય એવું અનાજ – શાકભાજી અને ફળો આપી રહ્યા છે.
પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ પટેલ જણાવે છે કે, હું પહેલાં રાસાયણિક ખેતી પદ્ધતિ વડે ખેતી કરતો હતો. જેમાં બિયારણ થી માંડીને દવા, ખાતર બધું જ રસાયણ વાળું વાપરતો હતો. રાસાયણિક ખેતી પદ્ધતિ ખર્ચો ઘણો કરાવે છે. પરંતુ એમાં ગમે એટલો ખર્ચો કરીએ તોય એનું પરિણામ અમને સંતોષ નહોતું આપતું. અવનવા રોગ – જીવાતો પાકમાં થયા કરતા હતા. એક રોગ માંડ સારો થયા ત્યાં બીજો રોગ આવી જતો. દવા પણ વધારે વાપરવી પડતી હતી. પહેલાં પાકના ઉતારામાં ઘણી જ ખોટ થતી હતી. જે અમારા જેવા સામાન્ય વર્ગના ખેડૂતો માટે પોસાય તેમ નહોતું.
તેઓ વધુમાં ઉમેરતાં કહે છે કે, હવે હું થોડાં વર્ષોથી રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરું છું. હા, અગાઉ થોડાં વર્ષો એના સારા પરિણામ નહોતા મળ્યા કેમકે એમાં આટલાં વર્ષો સુધી જમીનમાં રસાયણ જતાં જમીન કડક અને બિન ફળદ્રુપ અને નિર્જીવ બની ગઈ હતી. જેને ફરીથી જીવંત કરવા માટે થોડો સમય તો જશે જ. પરંતુ હવે મને સારુ પરિણામ રહ્યું છે.
રમેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને રીંગણ, મરચા, દાડમ, પપૈયા જેવા સીઝનલ પાક સાથે શાકભાજી અને ફળોની ખેતી પણ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી જમીનને જીવંત બનાવીને તેની ફળદ્રુપતા વધારે છે. જેથી કરીને પાક ઉત્પાદન ક્ષમતા, પાકની શુદ્ધતા વધવાથી આ પાકની માંગ વધી છે. પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત પાકોમાં મૂળ સ્વાદ જળવાઈ રહે છે. પ્રાકૃતિક ખેતીમાં પણ સરકાર પૂરતો સહયોગ આપી રહી છે એ બદલ એમને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.