ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ અર્બન બેંકની ચૂંટણી આઈ. કે. દેસાઇ હાઈસ્કુલમાં યોજવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં સંતરામપુર અર્બન કો ઓપરેટિવ બેન્કના ડિરેક્ટરોની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ફતેપુરા શાખા, સંતરામપુર શાખા તેમજ કડાણા શાખા આવેલી છે, ત્યારે આ ત્રણેય શાખાઓ માટે ગત રોજ ફતેપુરાના અને આજે તા.૦૪/૦૯/૨૦૨૨ ને રવિવારના રોજ સંતરામપુર અને કડાણા શાખાનાં સભાસદો દ્વારા સંતરામપુર અને માલવણ મુકામે મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં ડિરેક્ટર પદ માટે ૧૧ જગ્યા માટે ૧૯ ઉમેદવારે પોતાનું ભાગ્ય અજમાવી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ફતેપુરા મુકામે આવેલ આઇ.કે. દેસાઈ હાઈસ્કૂલમાં પોલીસની કડક સુરક્ષા અને બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ફતેપુરાના સભાસદો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જ્યારે સંતરામપુરના મતદારો તેમજ કડાણા, માલવણના મતદારો પોતાનો મતનો ઉપયોગ આજે કરેલ. જેમાં સામાન્ય વિભાગમાં ડિરેક્ટર પદની ૭ ખાલી જગ્યાઓ માટે ૯ ઉમેદવારો ઉમેદવારી નોંધાવેલી છે. જ્યારે સ્ત્રી વિભાગમાં ડિરેક્ટર તરીકે ૨ પદ માટે ૪ ઉમેદવારો ઉમેદવારી નોંધાવેલી છે. તેમજ ખેડૂત વિભાગમાં ડિરેક્ટર પદ માટે ૧ ખાલી જગ્યા માટે ૩ ઉમેદવારો ઉમેદવારી નોંધાવેલી છે. અને એસ.ટી., એસ.સી. વિભાગના ડિરેક્ટર પદ માટે ૧ ખાલી જગ્યા માટે ૩ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે. મતદાન થયા પછી મત ગણતરી કરવામાં આવશે.