
કારતક સુધી સાતમને શુક્રવારના રોજ કલાલ સમાજના આરાધ્યદેવતા સહસ્ત્રબાહુ અર્જુનની જન્મ જયંતિ હોવાના કારણે દાહોદ જિલ્લાના ફતેપુરા નગરના કલાલ સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને તેમના કુળદેવતાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ફતેપુરા અંબાજી મંદિર ખાતેથી બેન્ડ અને ડી.જેના તાલે ભગવાન સહસ્ત્રબાહુ અર્જુનની છબી બગીમાં મૂકીને બગીને ફુલોથી શણગારવામાં આવી હતી. અને ત્યારબાદ શોભાયાત્રા અંબાજી મંદિર ખાતેથી નીકળેલી નગરના પાછલા પ્લોટ વિસ્તાર, મેન બજાર, પોલીસ સ્ટેશન રોડ, કામેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં ફરીને અંબાજી મંદિર ખાતે પરત ફરી વિસર્જન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા પૂર્ણ થયા પછી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફતેપુરા નગરના કલાલ સમાજના નાના-મોટા દરેક વ્યક્તિઓ આ શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. બેન્ડ અને ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રા માં રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન ફતેપુરા નગરમાં ભક્તિમય વાતાવરણ રહ્યું હતું.