Editorial Desk – Dahod
ફુડ સીકયોરીટી એકટ-૨૦૧૩ અન્વયે લક્ષીત જાહેર વિતરણ વ્યવસ્થાનો અમલ એપ્રિલથી કરવાનો છે. જેમાં અંત્યોદય રેશનકાર્ડ ધારકને ૩૫ કિ.ગ્રા. અનાજ મળવાનું ધોરણ યથાવત રહેલ છે. જેમાં ઘઉં પ્રતિ કિ.ગ્રા.રૂા. ૨/- ચોખા પ્રતિ કિ.ગ્રા. રૂા.૩/-નો ભાવ રહેશે. તેવી જ રીતે અગ્રતા ધરાવતા કુટુંબોને ઉકત ભાવે પ્રતિ જન સંખ્યા દીઠ ૫ કિ.ગ્રા. અનાજ આપવામાં આવશે.
આ યોજનાનો અમલ ચાલુ થાય તે પહેલા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. જેમ કે આ યોજનામાં સમાવેશ કરવાપાત્ર કુટુંબો રહી ગયેલ છે. તેવી જ રીતે સમાવેશ ન કરવાપાત્ર કુટુંબોનો આ યોજનામાં સમાવેશ થઇ ગયેલ છે. આવા જુદા જુદા પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર અને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા.બા. વિભાગ દ્વારા જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છે. જેમાં જિલ્લા કક્ષાની કમિટી, તાલુકા કક્ષાની કમિટી, નગરપાલિકા વિસ્તાર માટેની કમિટીનો સમાવેશ થયેલ છે. જે કમિટીમાં મળેલ અરજીઓનો નિર્ણય કરવાનો છે.
જેમાં જે કુટુંબોનો સમાવેશ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં થયો નથી. તેવા કુટુંબો તરફથી મળેલ અરજી વિભાગના તા. ૨૨/૭/૨૦૧૪ ના ઠરાવથી ગ્રામ્ય/શહેરી વિસ્તાર માટે ક્રાઇટેરીયા નકકી થયેલ છે. જે ક્રાઇટેરીયામાં આવતા હોય તો તેવા આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
તાલુકા સમિતિમાં નિર્ણય સામે અરજદાર નારાજ થયેલ હોય તો તે સામે અપીલ અરજી જીલ્લા કક્ષાની સમિતિમાં કરવાની રહેશે. જીલ્લા કક્ષાની સમિતિ યોગ્ય નિર્ણય કરશે. એમ જિલ્લા પુરવઠા અધિકારીએ અમારા પ્રતિનિધિને જણાવ્યું છે.