આત્મા પ્રોજેક્ટ, બાગાયતી વિભાગ તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા તાલીમ અને શિબિરો યોજીને પ્રાકૃતિક ખેતી કરવા માટે અપાતુ પ્રોત્સાહન.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન અને સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, આત્મા પ્રોજેક્ટ, બાગાયતી વિભાગ તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા તાલીમ અને શિબિરો યોજીને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવામા આવી રહ્યુ છે.
અત્યારના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે, રાસાયણિક દવાઓના કારણે ડાયાબીટીઝ, કેન્સર, હ્યદયરોગ સહિતના અનેકો રોગ થઇ રહ્યા છે ત્યારે એના ઉકેલ માટે એક માત્ર વિકલ્પ એટલે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી એ જમીનને જીવંત બનાવીને તેની ફળદ્રુપતા વધારે છે. જેથી કરીને પાક ઉત્પાદન ક્ષમતા, પાકની શુદ્ધતા વધવાથી આ પાકની માંગ વધી રહી છે. પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત પાકોમાં મૂળ સ્વાદ જળવાઈ રહે છે. જેના થકી ખેડુતોની પાક ઉત્પાદનની સાથે આર્થિક સ્થિતિ પણ સુધરી રહી છે.
પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે અદ્યતન માર્ગદર્શન મળી રહે તે હેતુથી જીલ્લામાં તમામ તાલુકાઓમાં સખી મંડળ બનાવી કાર્ય કરતી મહિલા ખેડૂત બહેનોને પ્રાકૃતિક કૃષિ વિશે વધુ જાણકારી મળી રહે તે માટે જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ યોજવામા આવ્યો હતો. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત તેમજ મકાઈ સંશોધન કેન્દ્ર, ગોધરા ખાતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે માર્ગદર્શન અને રૂબરૂ મુલાકાત આત્મા યોજના દાહોદ દ્વારા જિલ્લાની સખી મંડળની તમામ તાલુકાની બહેનો માટે એક દિવસીય પ્રેરણા પ્રવાસ યોજવામાં આવ્યો હતો.