– મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવે દિકરીના જન્મને ઉત્સવ તરીકે મનાવવા અનુરોધ કર્યો.
મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ખાતે દિકરી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દિકરી દિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના વરદ હસ્તે ૨૫ દિકરીઓને કુમકુમ તીલક કરી, હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યુ હતુ. દિકરી દિવસ અંતર્ગત આયોજિત મહિલા સેમીનારમાં ઉપસ્થિત મહિલાઓને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી, ડીઆઇઇસીઓ વિજય પંડિત, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, ડો.સંગીતા મીર, ડો.ધારા સુપેડા, ડો.ઉર્વી ઝાલા સહિતના આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત આઇસીડીએસ વિભાગ દ્વારા પી.ઓ આઇસીડીએસ ના માર્ગદર્શન મુજબ મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત દિકરી દિવસની ઉજવણી કરાઇ હતી.
અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવે મહિલા સેમિનારમાં જણાવ્યુ હતુ કે, દિકરી-દિકરા વચ્ચે કોઇ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવો જોઇએ અને દિકરીને પણ જન્મવાનો અધિકારી છે. જન્મ પહેલા બાળકની જાતીની તપાસ કરાવવીએ ગંભીર ગુનો છે અને તેમા દોષીતને જેલની સજા પણ થઇ શકે છે. દિકરીએ તો ઘરની લક્ષ્મી છે. દિકરીએ મા બાપનું ધ્યાન રાખતી હોય છે. દિકરીઓના જન્મને અટકાવશો તો સામાજીક વિસંગતતા ઉભી થશે. દિકરી એ તો બન્ને કુટુંબને તારે છે. દિકરીના જન્મને ઉત્સવ તરીકે મનાવવા અનુરોધ કર્યો.