Friday, November 22, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરામાનગઢ આદિવાસી બહાદુરોની તપસ્યા, બલિદાન, શોર્ય અને શહિદીનું પ્રતીક છે : નરેન્દ્ર...

માનગઢ આદિવાસી બહાદુરોની તપસ્યા, બલિદાન, શોર્ય અને શહિદીનું પ્રતીક છે : નરેન્દ્ર મોદી

THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS 

  • “ગોવિંદ ગુરુ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતની પરંપરા અને આદર્શોના પ્રતિનિધિ હતા”
  • ભારતનો ભૂતકાળ, ઇતિહાસ, વર્તમાન અને ભારતનું ભવિષ્ય આદિવાસી સમુદાય વગર ક્યારેય પૂરું નહીં થાય”
  • “માનગઢના સર્વાંગી વિકાસ માટે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે મળીને ભાવિ રૂપરેખા ઘડવા માટે કામ કરશે”:- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ‘માનગઢ ધામ કી ગૌરવ ગાથા’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમના સ્થળ પર પહોંચ્યા પુર્વે પ્રધાનમંત્રીએ ધૂણીના દર્શન કર્યા હતા અને ગોવિંદ ગુરુની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માનગઢની પવિત્ર ભૂમિમાં રહેવું હંમેશા પ્રેરણાદાયક છે. આ ભૂમિ આપણા આદિવાસી બહાદુરોની તપસ્યા, બલિદાન, શૌર્ય અને શહીદીનું પ્રતિક છે. તેમણે કહ્યું હતું કે, “માનગઢ એ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિજાતિ લોકોનો સહિયારો વારસો છે”. 30 ઓક્ટોબરે ગોવિંદ ગુરુની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલી અર્પણ કરી હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જુના દિવસોની યાદો તાજી કરતા કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, માનગઢ પ્રદેશની સેવા કરવાનો તેમને અવસર પ્રાપ્ત થયો હતો અને વધુમાં જણાવ્યું હતું કે, ગોવિંદ ગુરુએ પોતાના જીવનના અંતિમ વર્ષો અહીં વિતાવ્યા હતા, તેમની ઉર્જા તેમજ જ્ઞાનની અનુભૂતિ આજે પણ આ ભૂમિની માટીમાં થાય છે. પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, વન મહોત્સવના માધ્યમથી સ્થાનિકોને અપીલ કરતા આ સમગ્ર વિસ્તાર, જે એક સમયે ઉજ્જડ જમીન હતો તે હવે હરિયાળીમાં રૂપાંતરિત થઇ ગયો છે. પ્રધાનમંત્રીએ આ અભિયાન માટે નિઃસ્વાર્થપણે કામ કરવા બદલ આદિવાસી સમુદાય પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસના પરિણામે માત્ર સ્થાનિક લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે એવું નથી પરંતુ ગોવિંદ ગુરુના ઉપદેશોનો પ્રચાર પણ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, “ગોવિંદ ગુરુ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતની પરંપરા અને આદર્શોના પ્રતિનિધિ હતા. ગોવિંદ ગુરુએ પોતાનો પરિવાર ગુમાવ્યો પરંતુ ક્યારેય તેઓ મનથી ભાંગી પડ્યા નહોતા અને દરેક આદિવાસી વ્યક્તિને તેમણે પોતાના પરિવારજનો બનાવ્યા હતા.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગોવિંદ ગુરુ આદિવાસી સમુદાયના અધિકારો માટે બ્રિટિશરો સામે લડ્યા હતા, તો સાથે સાથે તેમણે તેમના પોતાના સમાજના કુરિવાજો સામે પણ અભિયાન ચલાવ્યું હતું કારણ કે તેઓ એક સમાજ સુધારક, આધ્યાત્મિક અગ્રણી, એક સંત અને નેતા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમનું બૌદ્ધિક અને દાર્શનિક પાસું તેમજ તેમની હિંમત અને સામાજિક સક્રિયતા પણ એટલી જ જીવંત હતી.

THIS NEWS IS POWERED BY –-AVSAR PUJAPA & DECORATION 

17 નવેમ્બર 1913 ના રોજ માનગઢમાં થયેલા હત્યાકાંડની વાતોને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તે ઘટના ભારતમાં બ્રિટિશ શાસન દ્વારા આચરવામાં આવતી અત્યંત ક્રૂરતાનું ઉદાહરણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, “એક તરફ નિર્દોષ આદિવાસીઓ હતા કે જેઓ આઝાદી માંગી રહ્યા હતા, તો બીજી તરફ, બ્રિટિશ હકુમત સંભાળનારા શાસકો હતા કે જેમણે માનગઢની ટેકરીઓને ચારેબાજુથી ઘેરી લીધા અને પંદરસોથી વધુ નિર્દોષ પુરુષો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોનો સંહાર કર્યો હતો.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ સંજોગોના કારણે, સ્વતંત્રતાના સંગ્રામની આવી નોંધપાત્ર અને પ્રભાવશાળી ઘટનાને ઇતિહાસના પુસ્તકોમાં ક્યાંય સ્થાન આપવામાં આવ્યું નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આ આઝાદી કા અમૃત મહોત્સવમાં, ભારત આ વિરાસતને ઉજાગર કરી દાયકાઓ પહેલાં થયેલી ભૂલોને સુધારી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, “ભારતનો ભૂતકાળ, ઇતિહાસ, વર્તમાન અને ભારતનું ભવિષ્ય આદિવાસી સમુદાય વગર ક્યારેય પૂરું નહીં થાય. આપણી આઝાદીના સંગ્રામની ગાથાના દરેક પાના આદિવાસીઓના શૌર્યથી ભરેલા છે. પ્રધાનમંત્રીએ 1780ના દાયકાની શરૂઆતમાં તિલક માંઝીના નેતૃત્વ હેઠળ સંથાલ સંગ્રામ લડવામાં આવ્યો ત્યારે થયેલા ગૌરવપૂર્ણ સંઘર્ષોને યાદ કર્યા હતા. તેમણે 1830-32માં રાષ્ટ્ર જ્યારે બુધુ ભગતના નેતૃત્વમાં લારકા આંદોલનનું સાક્ષી બન્યું તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. 1855માં સિદ્ધુ-કાન્હુક્રાંતિએ રાષ્ટ્રમાં ઉર્જા ભરી દીધી હતી. ભગવાન બિરસા મુંડાએ પોતાની તાકાત અને દેશભક્તિથી દરેકને પ્રેરણા આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “સદીઓ પહેલાં ગુલામીની શરૂઆત થઇ ત્યારથી માંડીને, 20મી સદી સુધી જ્યારે આઝાદીની જ્યોત આદિવાસી સમુદાય દ્વારા પ્રજ્વલિત રાખવામાં આવી ત્યાં સુધી તમને સમયનો અનુસંધાન મળશે નહીં”. તેમણે આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજુનો ઉલ્લેખ કર્યો હતો. રાજસ્થાનમાં આ પહેલાં પણ આદિવાસી સમાજ મહારાણા પ્રતાપની પડખે ઉભો રહ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે આદિવાસી સમુદાય અને તેમના બલિદાનના ઋણી છીએ. આ સમાજે પ્રકૃતિ, પર્યાવરણ, સંસ્કૃતિ અને પરંપરાઓમાં ભારતનું ચરિત્ર જાળવી રાખ્યું છે. આજે રાષ્ટ્ર માટે તેમની સેવા કરીને તેમનો આભાર વ્યક્ત કરવાની ક્ષણ છે”.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસામુંડાની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવા જઇ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, “જનજાતિય ગૌરવ દિવસએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓના ઇતિહાસ વિશે લોકોને શિક્ષિત કરવાની દિશામાં એક પ્રયાસ છે”. નરેન્દ્રભાઈ મોદીએ નોંધ્યું હતું કે આદિવાસી સમાજના ઇતિહાસને લોકો સુધી લઇ જવા માટે સમગ્ર દેશમાં આદિવાસી સમાજના સ્વાતંત્ર્ય સેનાનીઓને સમર્પિત વિશેષ સંગ્રહાલયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ભવ્ય વારસો હવે વિચાર પ્રક્રિયાનો એક હિસ્સો બનશે અને યુવા પેઢીઓને પ્રેરણા પૂરી પાડશે.

પ્રધાનમંત્રીએ દેશમાં આદિવાસી સમાજની ભૂમિકાનું વિસ્તરણ કરવા માટે સમર્પણની ભાવના સાથે કામ કરવાની જરૂર હોવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, દેશ રાજસ્થાન અને ગુજરાતથી માંડીને પૂર્વોત્તર અને ઓરિસ્સા સુધીના દેશના તમામ ભાગોમાં વૈવિધ્યસભર આદિવાસી સમાજની સેવા કરવા માટે સ્પષ્ટ નીતિઓ સાથે આ સરાકાર કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી આદિવાસીઓને પાણી, વીજ જોડાણ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ અને રોજગારની તકો પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે,”આની સાથે સાથે, આદિવાસી વિસ્તારોને પણ ડિજિટલ ઇન્ડિયા સાથે જોડવામાં આવી રહ્યા છે.” પ્રધાનમંત્રીએ એકલવ્ય નિવાસી શાળાઓનો પણ ઉલ્લેખ કર્યો જે પરંપરાગત કૌશલ્યો સાથે આદિવાસી યુવાનોને આધુનિક શિક્ષણની તકો પૂરી પાડે છે. તેઓએ જણાવ્યું હતું કે, જાંબુઘોડા જઈને ગોવિંદ ગુરુજીના નામ પર રાખવામાં આવેલી યુનિવર્સિટીના ભવ્ય પ્રશાસનિક પરિસંકુલનું લોકાર્પણ કરીશ.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ગઇકાલે અમદાવાદ-ઉદયપુર બ્રોડગેજ લાઇન પર ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી, આ 300 કિમી રેલ્વે લાઇન રાજસ્થાનના લોકો માટે મહત્વપૂર્ણ છે જેના થકી ગુજરાતના ઘણા આદિવાસી વિસ્તારોને રાજસ્થાનના આદિવાસી વિસ્તારો સાથે જોડશે અને આ પ્રદેશોમાં પ્રવાસન,ઔદ્યોગિક વિકાસ તેમજ સ્થાનિક રોજગારીને વેગ મળશે. માનગઢના ક્રાંતિવીરોના બલિદાનને યાદ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2012માં માનગઢ ખાતે ગોવિંદગુરુ સ્મૃતિવન, અમરજ્યોતિ સ્તંભ અને ગોવિંદગુરુની પ્રતિમા પ્રસ્થાપિત કરીને પુષ્પાંજલી અર્પી હતી, આ સ્થળે 1507 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને શહીદોની સ્મૃતિને કાયમ કરી હતી, રાશીવન નક્ષત્ર અને વ્યુ પોઈન્ટ પ્રદર્શન ગેલેરી જેવી સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.

આ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટે જણાવ્યું હતું કે, મેવાડ અને વાગડની ધરતીનો અનોખો ઈતિહાસ રહ્યો છે, જેમાં માનગઢનો ઈતિહાસ સ્વર્ણિમ અક્ષરે લખાયો છે.આદિવાસીઓનો ઈતિહાસ મહાન છે, તેમાં હજુ સંશોધન કરવામાં આવે તો વધુ જાણવા મળે, ગુજરાતના પાલ-દઢવાવનો નરસંહારની વાત હોય કે ભગવાન બિરસા મુંડાની દરેક જગ્યાનો એક અનોખો ઈતિહાસ છે. જલિયાવાલા બાગની જેમ માનગઢનો ઈતિહાસ દેશના સૌ લોકો જાણે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

માનગઢની શહિદ ભૂમિને વંદન કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, માનગઢની ક્રાંતિના રક્તરંજિત ઈતિહાસની ક્યાંય નોંધ લેવાઈ નથી, ધર્મ, સંસ્કૃતિ અને આઝાદીની ચેતના જગાવનાર ગુરુ ગોવિંદની ગૌરવગાથાનું સ્મારક બનાવીને વર્તમાન અને ભાવિપેઢીને ઈતિહાસની અમરગાથાને ઊજાગર કરવાનું કામ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.

માનગઢધામના સર્વાંગી વિકાસ અંગેની ચર્ચા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માનગઢધામના ભવ્ય વિસ્તરણની પ્રબળ ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ગોવિંદ ગુરુજીનું આ સ્મારક સ્થળ દુનિયાના નકશા પર સ્થાન મેળવી શકે તે માટે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ચાર રાજ્ય સરકારોને સાથે મળીને કામ કરવા અને એક ભાવિરૂપ રેખા તૈયાર કરવા વિશે વિગતવાર ચર્ચા કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીશ્રીએ અંતે જણાવ્યું હતું કે, “મને ખાતરી છે કે માનગઢધામનો વિકાસ આ નવી પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે”.

આદિવાસીઓના વિકાસ માટે તેમણે વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી આદિવાસીઓના વિકાસની ગતિ તેજ કરી હતી, આ યોજના થકી વિકાસના અનેક કામો થયા છે. ડબલ એન્જિનની સરકારે આદિવાસી ક્ષેત્રમાં મેડીકલ શિક્ષણ માટે દાહોદ, ગોઘરા અને વલસાડ ખાતે સુવિધા ઉપલબ્ધ કરી અને ગોધરા ખાતે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીની સ્થાપ્ના કરી વિશ્વ સમક્ષ તેમની પ્રતિભાને ઉજાગર કરી છે.

આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલ, કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાલ, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ફગ્ગનસિંહ કુલસ્તે, સાસંદ જશવંતસિંહ ભાભોર, સાસંદ કનકમલ કટારા, આદિજાતિ અગ્રણી મહેશ શર્મા, સંત અગ્રણી અચ્યુતાનંદ અને રામચંદ્રન મહારાજ સહિત આદિજાતી આગેવાનો અને ખુબ મોટી સંખ્યામાં આદિજાતી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments