છ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરનાર કુટુંબી મામાની પોલીસે ગણતરીના કલાકોમાં જ કરી ધરપકડ
માનવતાને શરમાવે તેવી તેવી એક ઘટના દાહોદ જિલ્લાના ગરબાડામાં બની છે. આ ઘટનામાં છ વર્ષીય માસૂમ બાળકી તેના ઘરના આંગણામાં રમી રહી હતી ત્યારે આ બાળકીના કુટુંબી મામાએ તેનું અપહરણ કરી ગરબાડાથી બે કિલોમીટર દૂર નળવાઈ ગામે દુર્ગમ વિસ્તાર લઈ જઈ આ છ વર્ષની માસુમ બાળકી સાથે હવસ ભુખ્યા કુટુંબી મામાએ દુષ્કર્મ આચરી તેની કરપીણ હત્યા કરી નાખી હતી. છ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કર્યા બાદ આ નરાધમ જાણે કશું બન્યું જ નથી તેમ ગરબાડા આવીને આ નરાધમ આ માસૂમ બાળકીની શોધખોળમાં સામેલ થઈ ગયો હતો. છ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યાની ઘટના બનતા ગરબાડા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને લોકો આ હવસ ભુખ્યા મામા ઉપર ભારે ફિટકાર વરસાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ગરબાડા ખાતે તેની નાની સાથે રહેતી અને ધોરણ – ૧ (એક) માં અભ્યાસ કરતી છ વર્ષની માસૂમ બાળકી તારીખ ૩૧મી ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં તેના ઘરના આંગણામાં રમી રહી હતી ત્યારે આ માસૂમ બાળકીને તેનો કુટુંબી મામો ખેતરમાંથી ચણાનો ઓળો લઇને આવીએ તેમ કહી આ માસૂમ બાળકીને મોટર સાયકલ પર બેસાડી તેનું અપહરણ કરી ગરબાડાથી દોઢથી બે કિમી દૂર નળવાઈ ગામે લઇ ગયો હતો અને ત્યાં જંગલ વિસ્તારમાં આ માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ અચર્યા બાદ પકડાઈ જવાની બીકે આ નરાધમે માસુમ બાળકીની હત્યા કરી નાંખી હતી અને તેના મૃતદેહને ઝાડીઓમાં ફેકી દીધો હતો. બીજી તરફ આ માસુમ બાળકી મોડે સુધી ઘરે નહીં આવતા તેના પરિવારજનોએ ગરબાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી, જે ફરીયાદના આધારે હાથ ધરવામાં આવેલ તપાસમાં પોલીસને મહત્વના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને સીસીટીવી ફૂટેજમાં આ નરાધમ મામા બાળકીને લઇ જતો દેખાયો હતો, બાદમાં પોલીસે આ આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કલમ – ૩૬૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ હતી.
પોલીસે આ આરોપીની સઘન પૂછપરછ કરતાં આ નરાધમ ભાંગી પડ્યો હતો અને તેને સમગ્ર ઘટના પોલીસ સમક્ષ વર્ણવી હતી, જે જાણી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ આરોપીએ પોલીસને જણાવ્યું કે માસૂમને ખેતરમાંથી ચણાનો ઓળો લઇને આવીએ તેમ કહી બહાનું કરી નળવાઈ ગામે જંગલ જેવા દુર્ગમ વિસ્તારમાં લઇ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને એટલું જ નહીં દુષ્કર્મ બાદ પકડાઈ જવાની બીકે તેની હત્યા પણ કરી હતી. બાદમાં વહેલી સવારે Dy.S.P. ની હાજરીમાં આરોપીને ઘટનાસ્થળે લઇ જવાયો હતો અને ત્યાં સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરી વિડીયોગ્રાફી કરી પંચનામું કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છ વર્ષીય માસૂમ કુટુંબી ભાણેજને પીંખી નાખનાર નરાધમ અગાઉ દોઢ વર્ષ પહેલા ગરબાડાની જ એક યુવતીને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારવાના કેસમાં આઠ માસ પહેલા જ જામીન પર છૂટ્યો હતો અને આ નરાધમે આટલાથી સબક ન લેતા ફરીવાર ગત રોજ પોતાની છ વર્ષીય કુટુંબી ભાણેજને જ પીંખી નાખવાનું કૃત્ય કરી તેની હત્યા કરી હતી. આ હિચકારા કૃત્યને લઈને ગરબાડા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.