NILKANTH VASUKIYA – VIRAMGAM
– રાવળ યોગી સમાજના ૧૧૧ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતી માં વિરમગામ સાણંદ મત વિસ્તારના પુર્વ ધારાસભ્ય કમાભાઇ ગગજીભાઇ રાઠોડ પ્રેરીત શ્રી તૃપ્તિ સાર્વજનીક સેવા ટ્રસ્ટ તથા સમસ્ત રાવળ યોગી સમાજ સમૂહ લગ્ન સમિતિ વિરમગામના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ જિલ્લાના ખોરજ ગામ ખાતે રાવળ યોગી સમાજના ૧૧૧ દિકરા – દિકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. રાવળ યોગી સમાજના સમુહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ના હસ્તે નવદંપતિઓને લગ્ન નોંધણી પ્રમાણપત્ર તથા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના કાર્ડ આપવામાં આવ્યા હતા. પુર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડના પરીવાર, રાવળ યોગી સમાજના રાજ્યભરના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ સમુહ લગ્નોત્સવમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય સભા સાંસદ શંભુનાથજી ટુંડીયા મહારાજ, પુનમભાઇ મકવાણા, બાબુભાઇ જે. પટેલ, શંકરભાઇ વેગડ, આર.સી. પટેલ સહિત અનેક સંતો મહંતો, પદાધીકારીઓ, રાવળ યોગી સમાજના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
– સમુહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીના હસ્તે નવદંપતિઓને લગ્ન નોંધણી પ્રમાણપત્ર તથા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના કાર્ડ આપવામાં આવ્યા.
રાવળ યોગી સમાજને સંબોધીત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, રાવળ યોગી સમાજએ માતાજીના ઉપાસક છે, જોગણીમાના સાચા ઉપાસક તરીકે પ્રવૃત છે. જે સમાજ નારીનું સન્માન કરે છે, તેને માન પ્રતિષ્ઠા આપે છે તે સમાજ પર પ્રભુના આશિર્વાદ રહે છે. સમુહ લગ્નમાં લગ્ન ગ્રંથીથી જોડાનાર દંપતિઓને આશિર્વાદ તથા સમૃધ્ધ દાંપત્ય જીવન જીવે તેવી શુભાકામના આપુ છું. લગ્નએ બે વ્યક્તિઓનું જ નહિ બે કુટુમ્બનું પણ મિલન છે. સમુહ લગ્ન કરાવનારા ટ્રસ્ટ, યુવક મંડળો સેવાનું કામ કરી રહ્યા છે. રાવળ યોગી સમાજના સમુહ લગ્નોત્સવનું આયોજન કરવા બદલ કમાભાઇ રાઠોડને લાખ લાખ અભિનંદન અને કમાભાઇનો સંકલ્પ પ્રભુ પુર્ણ કરે તેવી પ્રાર્થના. બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખીએ આપણા સંસ્કાર છે. સી.એમ. એટલે કોમન મેન અને તમે જ અમને બધાને અહી ચુટીને મોકલ્યા છે. ગુજરાત સરકારે વિવિધ કડક કાયદાઓ બનાવ્યા છે. ગુજરાતમાં ગાયોની કતલ થશે નહિ અને ગૌ હત્યા કરનારાને આજીવીન કેદની સજા કરવામાં આવશે. દારૂ બંધીનો કડક કાયદો બનાવ્યો છે અને દારૂ વેચનાર બુટલેગરને ૧૦ વર્ષની સજા કરવામાં આવશે. સરકારે શાળાની ફી નિયંત્રણનો પણ કડક કાયદો બનાવ્યો છે. રાજ્ય સરકારે ૧ વર્ષમાં યુવાનોને ૭૦ હજારથી વધુ સરકારી નોકરી તથા ૧૦ લાખ યુવાનોને ખાનગી નોકરીઓ આપી છે. માં જોગણીના આશિર્વાદથી ગુજરાતમાં દરેક સમાજની સાથે રાવળ યોગી સમાજ પણ પાછળ ન રહે તથા પ્રગતી કરે તેવી શુભેચ્છા આપુ છું.
રાવળ યોગી સમાજના સમુહ લગ્નોત્સવના આયોજક વિરમગામ સાણંદ મત વિસ્તારના પુર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડે જણાવ્યુ હતુ કે, શ્રી તૃપ્તિ સાર્વજનીક સેવા ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી ૨૨૬૭ દિકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે અને ભુતકાળમાં વિરમગામ ખાતે આયોજીત સમુહ લગ્નમાં ૧૮૮ મુસ્લિમ દિકરીઓના નિકાહ પણ પઢાવવામાં આવ્યા છે. મારા જીવનમાં દિકરી નથી તેનો મને વસવસો છે, પરંતુ હું શ્રી તૃપ્તિ સાર્વજનીક સેવા ટ્રસ્ટ દ્વારા ૫૧૧૧ દિકરીઓના લગ્ન કરાવવાનું વ્રત લઇને બેઠો છું. સમુહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ આપવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.