તમે અત્યાર સુધી સાંભયું હશે કે ચેન સ્નેચિંગ થાય, પર્સ સ્નેચિંગ થાય, બેગ સ્નેચિંગ થાય પરંતુ દાહોદમાં થોડા સમયથી મોબાઈલ સ્નેચિંગ ગેંગ સક્રિય થઇ હતી. જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ મોબાઈલ ગેંગની એમ.ઓ. એવી હતી કે તેઓ કોઈને પણ તેમનો શિકાર બનાવતા હતા.દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમય થી મોબાઈલ થી વાત કરતા કરતા ચાલતા ફરવા નીકળેલા મહિલા, પુરુષ કે યુવક, અથવા તો બાઇક ઉપર કોઈ પણ જતું હોય તેના ઉપરના ખિસ્સામાં મોબાઈલ હોય તો ગેંગ એ મોબાઈલ ચાલુ બાઇક ઉપર ખેંચી અને લઇને નાસી જતા હતા. એવા અત્યાર સુધી દાહોદમાં વધુ પડતા કિસ્સા બની ગયા અને ફરિયાદો ઉઠવા પામી હતી.
દાહોદ પોલીસ એક્શનમાં આવી અને દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરની સૂચના અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક દાહોદ કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ ચાર જુદી જુદી ટીમો બનાવી દાહોદ ટાઉન પી.આઈ. વસંત પટેલે સ્ટાફના જવાનોને ચકોર રહેવા જણાવ્યું અને દાહોદના જુદા જુદા વિસ્તારો જ્યાં આ ઘટનાઓ બની હતી તે વિસ્તારોમાં ચાંપતી નઝર રાખવા માટે જણાવ્યું હતું. અને CCTV કેમેરા થી પણ મોનીટરીંગ શરૂ કર્યું હતું.
ત્યારે સઘન ચેકીંગ હાથ ધરતા દાહોદ ટાઉન પી.આઈ. વી.પી પટેલ, પી.એસ. આઈ. અનિરુદ્ધસિંહ પરમાર તથા પોલીસના સ્ટાફના ચુનંદા જવાન પૈકી જયદીપ, નિલેશ જ્યારે બપોરે એક વાગે ચેકીંગ કરવા માટે દાહોદ રળીયાતી રોડ ઉપર ઉભા હતા ત્યારે તેઓને બાતમી મળી કે અહીંથી થોડી વારમાં એક અપાચે મોટરસાઇકલ ઉપર ત્રણ લોકો બેસી અને મોબાઈલ વેચવા માટે દાહોદ આવવાના છે. અને તે બાબતે રળીયાતી રોડ ઉપર ચેકીંગ દરમિયાન એક યામાહા મોટરસાઈકલ ઉપર ત્રણ બાઇક સવાર યુવાનો આવતા પોલીસે તેઓને રોકી અને શંકાના આધારે અંગ ઝડતી લેતા આ ઇસોમોના પાસેથી 21 જેટલા જુદી જુદી કમ્પનીના મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂપિયા 2,10,000/- (બે લાખ દસ હઝાર) અને મોટરસાઈકલ કિંમત રૂપિયા 45000/- ની મળી કુલ રૂપિયા બે લાખ પંચાવન હજાર (2,55,000/-) નો મુદ્દામાલ મળ્યો હતો. જેને કબજે લઇ લૂંટની ફરિયાદ દાખલ કરી હતી. પકડાયેલ ઈસમોં પૈકી એક પ્રકાશ બિલાવલ ઉંમર 19 વર્ષ અને બાજીઓ સુનિલ પારગી અને ત્રીજો સગીર છે. ત્રણે ઢોળના જાલત ગામના છે.
પોલીસે ગુનેગારોને પૂછતાં દાહોદના જુદા જુદા વિસ્તારોમાંથી લૂંટલ કરેલ મોબાઈલ મળી આવેલ જેમાં પાંચ ફરિયાદ દાહોદ ટાઉન મથકે નોંધાયેલ પૈકી ગુનાના મોબાઈલ હતા અને આવેલ ફરિયાદો અને અરજી ચકાસણી કરતા મોબાઈલ સ્નેચોરો પાસેથી મળેલ મોબાઈલ એ જ હતા અને તેના માલિકોએ ઓળખી પણ બતાવ્યા હતા. પોલીસે મુદ્દામાલ કબ્જે લઇ અને આ મોબાઈલો પૈકી જે મોબાઈલો જેના છે તેના માટેની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે. અને હજી આગળ આ ગેંગમાં કેટલા સભ્યો છે અને હજી વધુ મોબાઈલ તેઓએ ચોરી કર્યા છે કે કેમ તેની તપાસ દાહોદ ટાઉન પી.આઈ. વસંત પટેલે આગળ વધારી છે અને હજી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.