NILKANTH VASUKIYA – MORBI
– લગ્ન સમારંભને યાદગાર બનાવવા માટે એક સાથે પાંચ પુસ્તકો લખ્યાઃ ડો.દિપિકા સરડવા
– માતા-પિતા તથા મહાનુભાવોના હસ્તે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યુ
પોતાના લગ્ન સમારંભને યાદગાર બનાવવા માટે દંપતિ દ્વારા અવનવા પ્રયાસો કરવામાં આવતા હોય છે ત્યારે મોરબી ખાતે યોજાયેલ બોપલના ડો.સચિન સરડવા તથા મોરબીના ડો.દીપિકા વિઠલાપરાના લગ્ન સમારંભને પુસ્તક વિમોચન માટે યાદ રાખવામાં આવશે. લગ્ન સમારંભમાં એક નહિ પરંતુ નવવધુના એક સાથે પાંચ પુસ્તકો (૧) કવિતાની વિકાસયાત્રામાં અધુનિક સંસ્કૃત કવિઓ, કૃતિઓ અને કાવ્યજગત (૨) અર્વાચિન સંસ્કૃત કવિ ડો “અભિરાજ” રાજેન્દ્ર મિશ્રનું જીવન અને કવન (૩) ડો.“અભિરાજ” રાજેન્દ્ર મિશ્રના રૂપકોમાં સામાજિક વાસ્તવ (૪) વૈશ્વિક ચેતનાના કવિ ડો.હર્ષદેવ માધવ (૫) ડો.“અભિરાજ” રાજેન્દ્ર મિશ્રની કાવ્યક્ષેત્રે સિધ્ધિઓ નું વિમોચન માતા-પિતા તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રંસંગે પુર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા, પંચાયત મંત્રી જ્યંતિભાઇ કવાડીયા, બોપલ ઘુમા નગરપાલીકાના કાઉન્સિલર રેખાબેન સરડવા, ઇશ્વરભાઇ સરડવા, કાન્તાબેન વિઠલાપરા, અંબારામભાઇ વિઠલાપરા સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડો. સચિન તથા ડો.દીપિકાને અભિનંદન આપ્યા હતા.
પાંચ પુસ્તકોના વિશે વાત કરતા યુવા લેખીકા ડો.દીપિકા સરડવા વિઠલાપરાએ જણાવ્યુ હતુ કે, મને નાનપણથી જ પુસ્તકો વાંચવાનો શોખ છે. સતત વાંચનના કારણે હું લખતી થઇ અને પુસ્તક લખવાની શરૂઆત કરી તો એક સાથે પાંચ પુસ્તકો લખાઇ ગયા. નાનપણથી જ રમત, અભ્યાસની સાથે યોગ, કરાટે, નૃત્ય, નાટક શીખવા લાગી અને સાથે સાથે કવિતા, નિબંધ પણ લખ્યા. આ માટે પુરસ્કારો, મેડલ મળતા વધુ પ્રોત્સાહન મળ્યુ. સમાન્ય લોકોને અઘરૂ લાગે એવુ કામ કરવાનું મને પસંદ છે. સંસ્કૃત ભાષા પ્રત્યેના પ્રેમના કારણે જ હું પી.એચ.ડી. ની પદવી મેળવી શકી છું. મારા લગ્ન સમારંભને યાદગાર બનાવવા માટે મે એક સાથે પાંચ પુસ્તકો લખ્યા અને તેનું મારા માતા-પિતા, મહાનુભાવોના હસ્તે લગ્ન સમારંભમાં વિમોચન કરવામાં આવ્યુ હતુ.