Friday, November 22, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદયુક્રેનની યુદ્ધગ્રસ્ત કપરી પરિસ્થિતિમાંથી ઝાલોદની શિવાંગી કલાલ હેમખેમ ઘરે પહોંચી

યુક્રેનની યુદ્ધગ્રસ્ત કપરી પરિસ્થિતિમાંથી ઝાલોદની શિવાંગી કલાલ હેમખેમ ઘરે પહોંચી

શિવાંગીએ ભારત સરકાર દ્વારા આગવી કુનેહ સાથે વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ઓપરેશન ગંગા અંતર્ગત કરાઇ રહેલા પ્રયાસોની સરાહના કરી.

યુક્રેનની યુદ્ધગ્રસ્ત કપરી પરિસ્થિતિમાંથી ઝાલોદની શિવાંગી કલાલ આજે તા.૦૨/૦૩/૨૦૨૨ ને બુધવારના રોજ હેમખેમ ઘરે પહોંચી ગઇ છે.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું ઓપરેશન ગંગા અંતર્ગત વિદ્યાર્થીઓને સલામત રીતે દેશમાં પરત લાવવામાં આવી રહ્યાં છે, ત્યારે શિવાંગી યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી પરત ફરતા પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઇ હતી. શિવાંગીએ ભારત સરકાર દ્વારા આગવી કુનેહ સાથે વિદ્યાર્થીઓને પરત લાવવા માટે કરાઇ રહેલા પ્રયાસોની સરાહના કરી હતી.
શિવાંગી યુક્રેનની ઓડેસા સ્થિત યુનિવસીર્ટીમાં મેડીકલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે યુદ્ધ શરૂ થઇ જતા તે ત્યાં ફસાઇ ગઇ હતી. શિવાંગી જણાવે છે કે, યુદ્ધના બોમ્બ ધડાકા અને ગોળીબારના ભયગ્રસ્ત માહોલ વચ્ચે ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને પરિણામે હું મારા માદરે વતન ભારત પહોંચી શકું છું.

શિવાંગી વધુમાં જણાવે છે કે, ભારત સરકાર દ્વારા અણીના સમયે અમને મદદ મળી જતા હું ભારત પહોંચી શકી છું. અમે યુક્રેનના ઓડેસામાં ફસાયા હતા. ત્યાં પણ ખૂબ જ ભયજનક સ્થિતિ હતી. ઓડેસાથી રોમાનિયા સરહદ સુધી અમે બસમાં આવ્યા. દરમિયાન રસ્તામાં વારંવાર બસને સૈનિકો રોકી રહ્યાં હતા. સરહદથી ૧૨ કિ.મી. સુધીનો રસ્તો ચાલીને પસાર કર્યો હતો. અમે ઓડેસાના જે વિસ્તારને છોડી ગયા ત્યાં થોડાક જ સમય બાદ ઓપન ફાયરીંગ શરૂ થઇ ગયું હતું. રોમાનિયા ખાતે સ્થાનિક લોકોએ પણ અમને મદદ કરી હતી.

ભારત સરકાર દ્વારા શિવાંગી સહિતના વિદ્યાર્થીઓને ખાસ ફલાઇટ મારફત ભારત લાવવામાં આવ્યા હતા. શિવાંગીએ જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા સચોટ આયોજન કરવામાં આવ્યું હતું. અમે રોમાનિયામાં ૧૨ કલાક માટે રોકાણ કર્યું હતું. ત્યાર બાદ એરપોર્ટ પરથી અમને સહીસલામત લઇ જવામાં આવ્યા હતા અને આખરે અમે ભારત પહોંચ્યાં હતા. શિવાંગી ના પિતા બીપીનભાઇ જણાવે છે કે, સરકારી તંત્ર પણ સતત અમારા સંપર્કમાં હતું અને અમારી પુત્રી વિશે સતત અમને માહિતી આપતા હતા. સરકારી તંત્રનો પણ અમને ખુબ સહયોગ મળ્યો હતો. શિવાંગી ઘરે પરત ફરતા ઝાલોદ મામલતદાર સુશ્રી જે.વી. પાંડવએ તેની મુલાકાત લઇ શુભેચ્છાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments