રબારી, ભરવાડ અને ચારણ જાતિને ગુજરાત રાજ્યમાં અનુસુચિત જનજાતિ તરીકેની યાદીમાં સમાવેશ કરી અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રો આપવાના મુદ્દે આખા રાજ્યમાં આદિવાસી સમાજ અને વિવિધ સંગઠનો સરકાર સામે ભારે વિરોધ નોંધાવી રહ્યા છે અને રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસુચિત જનજાતિના આપેલા પ્રમાણપત્રો રદ કરવા બાબતે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં આદિવાસી આગેવાનો દ્વારા પણ આ બાબતે આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે. ત્યારે રબારી, ભરવાડ અને ચારણ જાતિને આપવામાં આવેલા અનુસુચિત જનજાતિના પ્રમાણ પત્રો રદ કરવા ધી ગરબાડા બાર એસોસીયેશનના આદિવાસી વકીલોએ પણ આજરોજ ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું અને છેલ્લા ૨૨ દિવસથી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં બેસીને આંદોલન ચલાવી રહેલા આદિવાસી ભાઈઓને તેમજ આગેવાનોને સમર્થન આપ્યું છે. આવેદન પત્રમાં જણાવ્યુ છે કે, તા.૨૯/૧૦/૧૯૫૬ ના પ્રેસિડેંસીયલ ઓર્ડરથી ગીર, બરડા અને આલેચના જંગલ નેશ વિસ્તારમાં રહેતા રબારી,ભરવાડ અને ચારણા જાતીઓનો અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે.
ગીર, બરડા અને આડોચના નેશ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણને મહામહિમ રાષ્ટ્રપતીના તારીખ.૨૯/૧૦/૧૯૫૬ ના જાહેરનામાંથી અનુસૂચિત જનજાતિનો દરજજો આપવામાં આવેલ હતો. વન સંરક્ષણ ધારો-૧૯૭૨ અમલમાં આવ્યા બાદ આ વિસ્તાર અભ્યારણ્ય જાહેર થવાથી આ નેશ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણને તા.૦૯/૦૯/૧૯૭ર થી આ વિસ્તારમાંથી દુર કરવામાં આવેલ છે. મહામહિમ રાષ્ટ્રપતિના જાહેરનામામાં વિસ્તાર આધારીત અનુસુચિત જનજાતિનો દરજજો આપવામાં આવેલ છે. પરંતુ તા.૦૯/૦૯/૧૯૭ર થી આ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણના કેટુંબીઓને દુર કરી અન્ય વિસ્તારમાં સ્થળાંતરીત કરેલ છે. જેથી મહામહિમ રાષ્ટ્રપતિના જાહેરનામા મુજબ તા.૦૯/૦૯/૧૯૭૨ પછી આ વિસ્તારમાં કોઈ રહેતું ન હોય તા.૦૯/૦૯/૧૯૭૨ પછીથી આપેલ તમામ દાખલા ગેરબંધારણીય છે. જેથી તા.૦૯/૦૯/૧૯૭ર થી આજદિન સુધી અનુસુચિત જનજાતિના મસવાડી પહોંચ અને વિગત દર્શક કાર્ડના આધારે જે દાખલા આપેલ છે તે ગેરબંધારણીય છે. જેથી આ તમામ પ્રમાણપત્રો રદ કરવા તથા આ પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી કે સરકારી લાભો લીધા હોય તો તે પરત લઈ અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રો લેનારને અને અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રો ઈસ્યુ કરનાર સામે પોલીસ ફરીયાદ દાખલ કરવા વિનંતી છે.
રાજય સરકારે વર્ષ–૨૦૧૮ માં એસ.સી., એસ.ટી. તથા ઓ.બી.સી. માટે દાખલા આપવા તેનું વેરીફીકેશન કરવા અને તેનું નિયમન કરવા તા.૧૬/૧૦/૨૦૧૮ થી કાયદો બનાવેલ છે. પરંતું નિયમ બનાવેલ નથી. તે તાત્કાલીક અસરથી આખરી કરવા. ગીર, બરડા અને આલેચના નેશ વિસ્તાર છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયેલ રબારી, ભરવાડ અને ચારણને અનુસુચિત જનજાતિનો દરજજો આપવા માટે આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના ઠરાવ ક્રમાંક અજપ/ર૦૯૨ ૧૪૪૭/ચ તા.૨૮/૦૧/૯૩ નો ઠરાવ ગેરબંધારણીય છે. આ ઠરાવના આધારે માન.મુખ્યમંત્રીએ તથા અન્ય મંત્રીઓએ ખોટા જાતિના દાખલા જાહેરસભા કરીને આપેલ છે. જે મહામહિમ રાષ્ટ્રપતિના તા.૨૯/૧૦/૧૯૫૬ ના જાહેરનામાથી ઉપરવટ જઈ આપેલ છે. જે રદ થવા જોઈએ તથા આ દાખલાના આધારે સરકારી નોકરી તથા સરકારી લાભો પણ રદ થવા જોઈએ.
ગુજરાત સરકારના આદીજાતી વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક અજપ/૧૦૨૦૦૮/૬૭૧/ચ તા.૨૧/૦૧/૧૦ થી અનસચિત જનજાતિના લોકોને જાતીના પ્રમાણપત્ર આપવા અંગેની સંકલીત સુચના આપેલ છે. જેમાં ગીર, બરડા અને આલેચ ના જંગલના નેશ વિસ્તારમાં રહેતા રબારી, ચારણ અને ભરવાડને અનુસુચિત જનજાતિના પ્રમાણપત્ર આપવા માટે આધાર પુરાવા તરીકે વિગત દર્શનકાર્ડ તથા મસવાડી પહોંચને કાયમી રહેણાંકના પુરાવા તરીકે ગણેલ છે. જે રહેણાંકના પુરાવા તરીકે ૨દ કરવું તથા રેવન્યુ રેકર્ડને રહેણાંકના પુરાવા તરીકે માન્ય ગણવુ. આ ઉપરાંત રાષ્ટ્રપતિના હુકમમાં સામેલ જનજાતિઓ સિવાય આદીજાતિ કમીશ્નર તથા સચિવ, આદિજાતિવિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સમયાંતરે રજુઆતો મળતા અનુસુચિત જનજાતિના અન્ય જાતીઓને દાખલા આપવા માટે પરીપત્રો ઠરાવા કરેલ છે. આ તમામ પરીપત્રો અને ઠરાવો રદ કરવા વિનંતી તથા આ પરીપત્રના આધારે મેળવેલ દાખલાઓથી મેળવેલ સરકારી નોકરી તથા સરકારી લાભો રદ કરવા વિનંતી છે. તેમ આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યુ છે.