- આરોગ્ય કેન્દ્રના પ્રારંભથી આસપાસના ૧૦ ગામોની ૨૪ હજારથી વધુની વસ્તીને તમામ અદ્યતન સુવિધાઓ સાથેની આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થઈ.
- છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે સરકાર પ્રતિબદ્ધ – રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ
- કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત.રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે ધાનપુરના મંડોર ખાતે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આજે લોકાર્પણ કર્યું હતું. રૂ. ૧.૦૯ કરોડનાં ખર્ચે તૈયાર થયેલા આરોગ્ય કેન્દ્રના પ્રારંભથી આસપાસના ૧૦ ગામોની ૨૪ હજારથી વધુની વસ્તીને તમામ અદ્યતન સુવિધાઓ સાથેની આરોગ્ય સેવાઓનો જનસામાન્યને લાભ મળશે. સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો પણ આ વેળા ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે સરકાર પ્રતિબદ્ધ છે. ધાનપુરના મંડોર ખાતે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ અદ્યતન આરોગ્ય સુવિધા સાથે આજે પ્રારંભ થયો છે. આસ પાસના ૧૦ ગામોની ૨૪ હજારથી વધુની વસ્તીને આરોગ્ય સુવિધા મળશે. વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લાના તમામ અંતરિયાળ વિસ્તારો ખાતે પાયાની આરોગ્ય સેવાનો પ્રસાર થયો છે. દાહોદ જિલ્લામાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નિદાન સારવાર સહિતની સેવાઓ નિશુલ્ક મેળવી રહી છે. PMJAY મા યોજના હેઠળ જિલ્લામાં ૬૬ હજારથી વધુ ગરીબ લાભાર્થી ઓએ યોજનાનો લાભ લીધો છે. જિલ્લાની ૧૧ હોસ્પિટલો આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલી છે.
દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં ૫.૭૬ લાખ થી વધુ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કાર્ડ આપવામાં આવ્યા છે, અને જિલ્લામાં ૬૬ હજારથી વધુ લોકોને સ્પેશ્યિલીસ્ટ હોસ્પિટલમાં ૯૮.૨૧ કરોડનો લાભ આપવામાં આવ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ દરેક સામાન્ય વ્યકિત સુધી પહોંચે એ માટે સઘન કામગીરી કરાઈ રહી છે. વન ગુજરાત વન ડાયાલીસિસ સેન્ટર અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ તાલુકા મથક ખાતે ડાયાલીસિસ સેન્ટર કાર્યરત કરાયું છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવે જિલ્લામાં મળી રહેલી આરોગ્ય સુવિધા વિશે વિગતે જણાવ્યું હતું. આ વેળા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, આરોગ્યકર્મીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.