રાજ્યની ભાજપ સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલપેટ્રોલ-ડીઝલ પર વેટ અને સેસમાં કરેલા વધારાનાં વિરોધમાંસૂત્રોચ્ચાર કરી ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યનાં મુખ્યમંત્રીને ઉદ્દેશીને મામલતદારશ્રી ગરબાડાને આવેદન પત્રઆપવામાં આવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, “ “અચ્છે દિન” ના વાયદા ” બહુત હુઈ મહંગાઈ કી માર” “અબકી બાર….” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારનાં શાસન માં ૧૨૫ કરોડ દેશ વાસીઓ અને ગુજરાતનાં ૬ કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપી ગરીબ, સામાન્ય અને મધ્યવર્ગના લોકોનું જીવન દુષ્કર બનાવી દીધેલ છે. એક તરફ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના બેફામ ભાવ,કાળા બજાર, સંગ્રહખોરો બેખોફને લીધે દાળ, ચોખા સહિતની ચીજ વસ્તુઓ થાળીમાંથી ગાયબ થઈ ગઈ છે. ત્યારે રાજ્યની ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલ પર લેવાતા વેટમાં ૧ ટકા, સેસમાં ૨ ટકાનો અને ડીઝલ પરનાં વેટમાં ૩ ટકાનો વધારો કરી મોંઘવારીનો એક વધુ માર ગુજરાતીઓને આપ્યો છે.
સમગ્ર દેશમાં ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ વેટ વસુલે છે અને પરિણામે ગુજરાતની જનતા મોંઘવારીનો ભોગ બની રહી છે.
કેન્દ્રની કોંગ્રેસ સરકાર ડો.મનમોહનસિંઘજીના શાશનમાં ૨૦૦૬ માં આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલના ભાવ પ્રતિ લિટરે ૩૪ ડોલર હતો ત્યારે નાગરિકોને પેટ્રોલ ૩૦ રૂપિયા લિટર ઉપલબ્ધ હતું. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભાજપ શાશનમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલનો ભાવ ૩૪ ડોલર પ્રતિ લિટર હોવા છતાં દેશના ૧૨૫ કરોડ નાગરિકોને પેટ્રોલના ૬૪ રૂપિયા ચૂકવવા પડે છે. આ તે કેવો ન્યાય ? અગાઉ પણ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર વેટના દર પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર,રાજસ્થાન અને મધ્યપ્રદેશ કરતાં વધુ હોવાથી ગુજરાતનાં નાગરિકોને પેટ્રોલ-ડીઝલ પર વધુ રૂપિયા ૨ વધુ ચુકવવા પડે છે.
ભાજપના ચૂંટણી પહેલાના વાયદા ” અચ્છે દિન” દેશવાસીઓને બદલે ભાજપના મળતિયાઓ અને કાળા બજારિયા, સંગ્રહખોરોના ” અચ્છે દિન” આવ્યા છે. પરિણામે ૧૨૫ કરોડ દેશવાસીઓને મહંગાઈના મારથી “બુરે દિન” આવી ગયા છે. “
ગુજરાતની ભાજપ સરકાર મોંઘવારીના માર આપવાનું બંધ કરે અને પેટ્રોલ-ડીઝલ ઉપરના વેટ અને સેસનો વધારો તાકીદે પરત ખેચે તેવી માંગણી સાથે ગરબાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઇ ચૌહાણ તથા ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ઉષાબેન ભાભોર દ્વારા પક્ષના કાર્યકર્તાઓને સાથે રાખી ગરબાડા મામલતદારને આવેદન પત્રઆપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.