દાહોદ જિલ્લાના લીમખેડા ગામમાં વરસોથી ગામની વચ્ચે પીકઅપ બસ સ્ટેન્ડ છે. જેના કારણે મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાઓ નડે છે અને વાહન રસ્તા ઉપર અડચણ રૂપ બને છે. લીમખેડામાં કોઈ રેગ્યુલર બસ મથક હતું નહિ અને લીમખેડાના લોકોની માંગણી હતી. જેને ધ્યાને લઇ ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર સાંસદ જસવંતસિંહના પ્રયત્નોથી લીમખેડા ગામને રૂપિયા 1.5 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ જેવી કે મુસાફરોની બેઠક વ્યવસ્થા વાળો વૈઈટિંગ હોલ, લેડીઝ કંડકટર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, પાર્સલ રૂમ, ટ્રાફિક સ્ટાફ ઓફિસ, અને ઇન્કવાઇરી તથા પાસ સુવિધા યુક્ત નવીન બસ સ્ટેશન ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કૂબેર ડિંડોડના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એસ.ટી નિગમ ના M.D એમ.એ. ગાંધી, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, જિલ્લા પ્રમુખ શંકર આમલીયાર, પ્રભારી સતીશ પટેલ, ડીડીઓ ઉત્સવ ગૌતમ, પ્રયોજન વહીવટદાર સ્મિતકુમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા, મહામંત્રી નરેન્દ્ર સોની તથા મોટી સંખ્યામાં લીમખેડાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.