દાહોદ ખેડૂત તાલીમ કેન્દ્ર અને આત્મા પ્રોજેકટ દ્વારા જિલ્લાનો કૃષિમેળો અને પાક પરિસંવાદ લીમખેડા તાલુકાના હાથીધરા ખાતે વડોદરા ઝોનના સંયુકત ખેતી નિયામક (વિસ્તરણ) એમ.કે.કુરેશીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે એમ.કે.કુરેશીએ જણાવ્યું હતું કે રાજય સરકાર ખેડૂતો આધુનિક રીતે ખેતી ઉત્પાદન વધારી આર્થિક રીતે સધ્ધર થાય તે માટે ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ, અભિયાનો, અભિગમો, અમલિત કર્યા છે. ખેડૂતો માટે વિશેષ અલાયદું બજેટ ફળવાય છે. ત્યારે ખેડૂતે જાગૃત થવું પડશે. અવનવા પાકોનું વાવેતર, જમીન પરીક્ષણ વગેરેનો ઉપયોગ કરી ઉત્પાદન વધારા સાથે મુલ્ય વર્ધિત પાકો તરફ વળનું પડશે તો જ સરકારનો મૂળભૂત હેતુ સિધ્ધ થશે. તેમ જણાવતાં કોઇપણ દેશની સમૃધ્ધિ કૃષિ પર આધારિત છે. દાહોદ જિલ્લામાં ભૈાગોલિક પરિસ્થિતિ જોતાં જળ સંચયના કામો જેવાં કે ચેકડેમ, બોરીબંધ, તળાવો ઉંડા કરવા, ખેત તલાવડીઓ વગેરે મહત્વના સાબિત થાય તેમ છે. તેના થકી જમીનમાં ભેજ સંગ્રહ શકિત વધશે. જે પાકને ઉપયોગી બનશે. વૈજ્ઞાનિક ખેતી અંગેનું માર્ગદર્શન ખેડૂત પોતાના ખેતર સુધી લઇ જાય તો જ કૃષિ મેળાઓ સફળ થયા ગણાય તેમ કુરેશીએ જણાવ્યું હતું.
કોઇપણ દેશની સમૃધ્ધિ કૃષિ આધારિત છે દાહોદ જિલ્લામાં કૃષિ ઉત્પાદન વધારવા જળસંચયના કામો મહત્વના બની રહેશે. સંયુકત ખેતી નિયામક એમ.કે.કુરેશી
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય નારસિંગભાઇ પરમારે કૃષિ મેળા-કૃષિ મહોત્સવો ખેડૂતોના ઉત્કર્ષ માટે જ રાજય સરકાર દ્વારા યોજવામાં આવે છે. ત્યારે ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડી અધતન ખેતી કરી આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરવાની સાથે રાજયની વિકાસ યાત્રામાં જાગૃતતા સાથે જોડાવું જોઇએ.
બાગાયત અધિકારી પટેલીયાએ ફુલોની ખેતી, ફળ-ફળાદીની ખેતી, શાકભાજીની ખેતી, મસાલા-પાક, નેટહાઉસ-ગ્રીનહાઉસ, ટપક સિંચાઇ,માંડવા પધ્ધતિની વિસ્ર્તૃત જાણકારી આપતાં કેન્દ્ર રાજય સરકાર દ્વારા અપાતી સબસીડી અંગે સરળ ભાષામાં સમજ આપી હતી.
આદિવાસી તાલીમ કેન્દ્ર, દેવ.બારીયાના યુનિટહેડ ગીરીશ પટેલે વાવેતર, સુધારેલ બિયારણ, રાષાયણિક ખાતર-દવાનો વપરાશ વગેરે ઉપર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુવાલીયા, કે.વી.કે, દાહોદના પશુ નિષ્ણાત ર્ડા રાધારાનીએ ખેતીના વ્વસાય સાથે પશુપાલનનો વ્વસાય ખૂબ જ ફાયદાકારક છે. તેમ જણાવતાં વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગે ખૂબ જ ઝીણવટ ભરી રીતે ખેડૂતો અને મહિલા ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડયું હતું
આત્મા પ્રોજેકટના ડાયરેકટર અને નાયબ ખેતી નિયામક જે.ડી.ચારેલે સ્વાગત પ્રવચન કરતાં આત્મા પ્રોજેકટનો ઉદેશ જણાવતાં ખેડૂતો માટેની ઉપયોગિતા વિશે વિગતો પૂરી પાડી હતી.આ કૃષિ મેળામાં જુદા જુદા વિભાગોના વિકાસ લક્ષી પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
કૃષિ મેળામાં લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ વજેસિંહ પલાસ, કારોબારી અધ્યક્ષ સુરમલભાઇ પણદા, સરપંચ શૈલેષભાઇ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી કામોળ, જીલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી કુ.પાયલબેન ભાભોર, ખેતીવાડી ખાતાના અધિકારી-કર્મચારીઓ, જિલ્લાના ખેડૂતભાઇ બહેનો, ગ્રામજનો, અગ્રણીઓ વગેરે મોટી સંખ્યા ઉપસ્થિત રહયા હતા.