પ્રશ્નોનો સંતોષકારક નિરાકરણ થતા સ્વાગત કાર્યક્રમ માટે લોકોએ સરકારને ધન્યવાદ પાઠવ્યા.
દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ વર્ગ ૧ ના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં લીમખેડા તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકએ લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળ્યા હતા અને સબંધિત અધિકારીને તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા. અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ મળતા તેમણે સરકારના સ્વાગત કાર્યક્રમ માટે સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા.૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી.
આ કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે દાહોદ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોના પ્રશ્નોનું અધિકારીઓએ સંતોષજનક નિરાકરણ કર્યું છે.