MAYURKUMAR RATHOD – LIMKHEDA
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામે આવેલ બુનિયાદી પ્રાથમિક શાળાને ૧૫૦ વર્ષ પુરા થતા સાર્ધ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ દાહોદના સાંસદ અને કેન્દ્રીય આદિજાતિ વિકાસ મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં આ શાળાના ભૂતપૂર્વ ૧૯૩ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ શાળામાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ ડોકટર, એન્જિનિયર, શિક્ષક, પોલીસ, સૈનિક, ન્યાયધીશ, વકીલ જેવી મહત્વના કહી શકાય તેવા હોદ્દા ઉપર પહોંચ્યા છે અને આ બુનિયાદી શાળાનું નામ દેશ અને વિદેશમાં પણ રોશન કર્યું છે. આ શાળામાંથી અભ્યાસ કરીને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આફ્રિકા, અમેરિકા, કેનેડા સહિત વિવિધ દેશોમાં જઈ વસીયા છે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ લીમખેડા તાલુકાના દુધીયા સહિત દાહોદ જીલ્લાનું નામ પણ રોશન કર્યું છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભુતપુર્વ વિદ્યાર્થીઓનુ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહ ભાભોરે સાલ તેમજ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. દુધિયા બુનિયાદી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી એન.બી. વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ લતાબેન ભાભોર, ઉપપ્રમુખ સરતાનભાઇ ડામોર, સરપંચ મનુભાઈ ભુરીયા, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.