દાહોદ જિલ્લામાં મનરેગા હેઠળ ૪૯૪ ગામોમાં ૧૧૨૭૧ કામોનો ધમધમાટ
દાહોદ જિલ્લાના મહેનતકશ લોકો માટે મહાત્મા ગાંધી રોજગાર બાંહેધરી યોજના લોકડાઉનના અનિવાર્ય સંજોગોમાં આર્થિક સ્થિતિ સક્ષમ બનાવી રાખવા માટેની તક લાવી છે. જિલ્લાની ૪૯૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ કુલ ૧૧,૨૭૧ કામો લેવામાં આવ્યા છે અને આ કામોમાં ૭૭,૮૯૩ લોકોને રોજગારી મળી છે. દાહોદ જિલ્લામાં મનરેગા હેઠળ લેવામાં આવેલા તળાવ ઉંડા કરવાના કામો ઉડીને આંખે વળગે એવા છે. જિલ્લામાં કુલ ૯૭ તળાવોને ઉંડા ઉતારવાનું કામ મહેનતકશ લોકોના હાથેથી થઇ રહ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે જણાવ્યું કે, તા.૧૫ એપ્રિલથી જ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જોબકાર્ડ ઇશ્યુ કરી લોકોને રોજગારી આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૮,૨૧૧ કામો, સામુહિક કૂવાના ૮૯૬ કામો, જમીન સમતળના ૯૫૯ કામો, આંગણવાડી ના ૧૬ અને ચેકડેમના કુલ ૮૨૭ સહિતના કામોનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યું કે, જે સ્થળે કામ ચાલતા હોય ત્યાં પીવાના પાણી, છાંયડા અને આરોગ્યની સુવિધા આપવામાં આવી છે. તમામ શ્રમવીરોને માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સામાજિક અંતર જળવાઇ રહે એ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. ઝાલોદ તાલુકાના વરોડ ગામના સૂરપળી ફળિયા નજીક ડુંગરા વચ્ચે આવેલા અનુસરણ ના તળાવને ઉંડા ઉતારવાની કામગીરી શ્રમવીરો દ્વારા ઉત્સાહ ભેર થઇ રહી છે. ચારેય તરફ ટેકરીથી ઘેરાયેલું આ તળાવ વરસાદી પાણીથી ભરાઇ જાય ત્યારે રમણીય સ્થળ બની જાય છે. અહીં સૌથી વધુ ૪૬૧ શ્રમવીરો કામ કરી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના એવા લોકો છે જે અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરોમાંથી લોકડાઉનને કારણે પોતાના ગામમાં પરત ફર્યા છે. તેઓ આ શહેરોમાં શ્રમકાર્ય કરતા હતા. બે અઠવાડિયા ઘરે બેઠા બાદ એપ્રિલમાં મનરેગાના કામ શરૂ થતાં તુરંત જોબકાર્ડ કઢાવી એમાં જોડાય ગયા છે.
મનરેગાના હેઠળના કામો વહેલી સવારથી શરૂ થઇ જાય છે. સૂરજ માથે આવે આવે ત્યાં તો કામ આટોપી ઘરે ચાલ્યા જાય છે. એટલે ગરમીથી બચી શકાય. થયેલા કામોનું મેજરમેન્ટ થાય છે અને તેના આધારે ચૂકવણું થાય છે. એક વ્યક્તિને રૂ. ૨૨૪ સુધીનું મહેનતાણું મળે છે. આ રકમ સીધા એના બેંક ખાતામાં જ જમા થાય છે. આ શ્રમવીરો સાથે વાતચીત કરતા તેઓ લોકડાઉનમાં સમયમાં રોજગારી આપવા બદલ સરકારનો આભાર માનવાનું ચૂકતા નથી.
આવી જ કામગીરી પાનીવેડ ગામના તળાવમાં પણ થઇ રહી છે. આ તળાવમાં હજુ થોડું પાણી ભરેલું છે. ઓવારા પછી ખુલી પડેલી જમીનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. વિશેષ વાત તો એ છે કે, આ તળાવમાંથી કોલસા જેવી કાળી ભમ્મર માટી નીકળે છે. એટલે, માટી લેવા માટે ખેડૂતો પડાપડી કરે છે. ખેડૂતો આવી ટ્રેક્ટરમાં પોતાની રીતે માટી ભરી શકે છે. ઝાલોદ તાલુકામાં મનરેગાના કામોની વિગતો આપતા તાલુકા વિકાસ અધિકારી પી.એન. પટેલ કહે છે, તાલુકામાં ૪૯,૩૯૬ માનવ દિનની રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં રૂ. ૧૦૮.૫૪ લાખનું ચૂકવણું કરવામાં આવ્યું છે. મનરેગા હેઠળ તાલુકાના કુલ ૧૯,૫૯૦ વ્યક્તિને રોજગારી મળી છે. હજુ પણ જરૂરત મુજબ રોજગારસર્જક કામોનું આયોજન છે.