THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- ખેડૂતોને આર્થિક રીતે પગભર કરી આવક બમણી કરવી એ જ અમારો નિર્ધાર.
- ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂપિયા ૬,૦૦૦ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) માધ્યમથી ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચૂકવવામા આવે છે.
- ખાતેદાર ખેડૂતોએ પોતાના ગામમાં જ નક્કી થયેલ સર્વિસ પ્રોવાઈડર મારફતે digitalgujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરાવવાની રહેશે.
- રાજ્યના લાભાર્થી ખેડુત કુટુંબોને અત્યાર સુધીમા ૧૦ હપ્તામા કુલ રૂ. ૧૦૩૩૪.૭૬ કરોડની ચૂકવણી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નિર્ણય થકી દેશભરના ખેડૂતોની આવક બમણી કરી તેમને આર્થિક રીતે સદ્ધર કરવા માટે અનેકવિધ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરાયા છે. જેના ભાગરૂપે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના લાખો ખેડૂતોને આર્થિક નાણાકીય સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૦ હપ્તા હેઠળ રૂ. ૧૦૩૩૪ કરોડની ચૂકવણી ગુજરાતના ખેડૂતોને તેમના ખાતામાં સીધે સીધી કરી દેવામાં આવી છે.
ભારત જેવા કૃષિપ્રધાન દેશમા ગ્રામીણ અર્થતંત્રને વધુ વેગવાન બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેડૂતો માટે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને ખેડૂતોની આવક બમણી કરવાનો મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. જેના પરિણામે કૃષિ ઉત્પાદનમાં પણ નોધપાત્ર વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેડૂતોના ખેત પેદાશોના ઉત્પાદનમા વધારો કરવા અને ઉત્પાદનોનો ખર્ચ ઘટે એ માટે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ” યોજના નાના ખેડૂતો માટે તા.૦૧.૦૨.૨૦૧૯થી અમલમાં મૂકવામાં આવી છે.
ગુજરાતમાં ખેતી મુખ્યત્વે નાના ખેતરોમાં વહેંચાયેલી છે તેમજ વરસાદ ઉપર આધારિત છે. ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારી ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે ૧૦૦ ટકા કેન્દ્ર સહાયિત યોજના તરીકે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ” યોજના જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના અતર્ગત ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ. ૬,૦૦૦ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી આપવામાં આવે છે. આ સહાય ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચૂકવવામાં આવે છે. આ સહાયનો લાભ લેવા માટે પતિ, પત્ની અને સગીર બાળકો પૈકી કોઈપણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય અને સહાય મળવાપાત્ર ન હોય તેવી કેટેગરીમાં જો સમાવિષ્ટ હોય તેવા તમામ ખેડૂત કુટુંબો સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે ખાતેદાર ખેડૂતોએ પોતાના ગામમાં જ નક્કી થયેલ સર્વિસ પ્રોવાઈડર મારફતે digitalgujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરાવવાની રહે છે. અરજીકર્તાઓએ વિગતો સહિતનું ફોર્મ અને સંલગ્ન એકરારનામાની પ્રિન્ટ લઈ સહી કરી બેન્ક એકાઉન્ટ વિગત માટે ચેક અથવા પાસબુકની નકલ અને આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ ડેટા એન્ટ્રી કેન્દ્ર ખાતે જમા કરાવવાની હોય છે. આ યોજનાના અમલીકરણના પ્રથમ વર્ષના પ્રથમ હપ્તા તરીકે આધારકાર્ડ નંબર ન હોય તો, તેવા કિસ્સામાં આધાર એનરોલમેન્ટ નંબર, ડ્રાઈવિંગ લાયસન્સ, ચૂંટણીકાર્ડ ઓળખપત્ર તરીકે આપવાનું રહે છે. પરંતુ ત્યારબાદ આધારકાર્ડ તેમજ આધાર સીડેડ બેન્ક એકાઉન્ટની વિગત ફરજિયાત પણે આપવાની હોય છે. ત્યારબાદ ખેડૂતોને યોજનાનો લાભ મળતો થઈ જાય છે. આ યોજના થકી ગરીબ ખેડૂત કુટુંબો સારી ગુણવત્તાના બિયારણ અને ખાતરની ખરીદી કરી શકે છે જેના થકી તેઓ આર્થિક રીતે સદ્ધર બની શકે છે.
રાજ્યમાં આ યોજના અંતર્ગત અત્યારસુધી ૧૦ હપ્તાની રકમ મળી લાભાર્થી ખેડુત કુટુંબોને કુલ રૂ. ૧૦૩૩૪.૭૬ કરોડ તેમના બેન્ક એકાઉન્ટમાં ચૂકવણી કરવામાં આવી છે. આમ આ યોજના ખેડૂતો માટે ખૂબ લાભદાયી સાબિત થઈ રહી છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં પહેલા હપ્તા માટે તા.૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૦૩/૨૦૧૯ સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવેલ હતો, જ્યારે ત્યાર બાદ દર ચાર મહિનાના સમયગાળામાં સહાય મળવાપાત્ર થાય છે. અગાઉ આ યોજના હેઠળ ખેડૂત કુટુંબના તમામ સભ્યોની સંયુકત માલિકીની ખેડાણલાયક જમીન બે હેકટર સુધી હોય તેવા ખેડૂત કુટુંબને સહાય આપવામાં આવતી હતી, જેમાં તા. ૭મી જૂન-૨૦૧૯થી બે હેકટરની મર્યાદા દૂર કરી તમામ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ તા. ૨૪ મે-૨૦૨૨ સુધીમાં ૬૩.૩૧ લાખ ખેડૂત પરિવારોને પ્રથમ હપ્તો, ૬૨.૭૯ લાખ ખેડૂત પરિવારોને બીજો હપ્તો, ૬૨.૩૬ લાખ ખેડૂત પરિવારોને ત્રીજો હપ્તો, ૫૯.૪૨ લાખ ખેડૂત પરિવારોને ચોથો હપ્તો, ૫૮.૧૩ લાખ ખેડૂત પરિવારોને પાંચમો હપ્તો, ૫૬.૦૬ લાખ ખેડૂત પરિવારોને છઠ્ઠો હપ્તો, ૫૩.૮૦ લાખ ખેડૂત પરિવારોને સાતમો હપ્તો, ૫૧.૦૨ લાખ ખેડૂત પરિવારોને આઠમો હપ્તો, ૪૬.૪૯ લાખ ખેડૂત પરિવારોને નવમો હપ્તો, ૪૮.૧૭ લાખ ખેડૂત પરિવારોને દસમો હપ્તો તથા ૨૮.૯૦ લાખ ખેડૂત પરિવારોને અગિયારમો હપ્તો ચુકવવા માટે કુલ રૂ. ૧૧૮૦૯.૩૦ કરોડના ચુકવણા માટે આદેશ કરવામાં આવ્યા છે.