- ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ – પત્થર, પાણી અને પહાડને ફોડનાર આદિવાસી સમાજના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે સંકલ્પબધ્ધ સરકાર
- આપણી બોલી, ભાષા અને સંસ્કૃતિ આપણી આગવી ઓળખ છે, તેને ક્યારેય ભૂલશો નહિ. – દંડક રમેશભાઈ કટારા
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આજે દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસ રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ ઉપરાંત જિલ્લાના અન્ય ૪ તાલુકા ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં જિલ્લાના ફતેપુરા તાલુકા ખાતે નૂતન વિદ્યાલયના પટાંગણમાં ઉજવણી કરવામાં હતી.
કાર્યક્રમના મુખ્ય અતિથિ વિધાનસભાના દંડક રમેશ કટારાનું સ્વાગત પારંપરિક બંડી, હાર્ડો, અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા નૃત્ય કરી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ આદિવાસીઓની વીરતાને યાદ કરતા જણાવ્યુ કે આજે આદિવાસી સમાજ ઉત્તરોઉત્તર પ્રગતિ કરી રહ્યો છે તે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું દૂરંદેશી નેતૃત્વનું પરિણામ છે. દંડક રમેશભાઈ કટારાએ ભૂતકાળમાં આદિવાસી સમાજને પડતી હાલાકી યાદ કરતા કહ્યું કે, આપણા સમાજને અગાઉની સરકાર વધુ પ્રાધાન્ય આપતી ન હતી પણ જયારે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ અનેક યોજનાઓ અને ભગીરથ કર્યો થકી આપણા સમાજનું ઉદ્ધાર કર્યું છે. આજના સમયમાં આદિવાસી સમાજે જે પ્રગતિ કરી છે તે ફક્ત ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીને કારણે છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના સૂત્ર સાથે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સુચારુ નેતૃત્વ હેઠળ આજે ગુજરાતના આદિવાસીઓના જિલ્લામાં ગામે ગામ રોડ પહોંચ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શિક્ષણની સુવિધા સમગ્ર આદિવાસી જિલ્લાઓમાં પહોંચી છે આજે કોઈ પણ આદિવાસી ભાઈ કે બહેનને તેનો જીવ રસ્તા પર ગુમાવવો પડતો નથી કારણકે ગુજરાત સરકારની 108ની સેવાઓ આજે ગામે ગામ પહોંચી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટરનોની તજજ્ઞ ટીમ હાજર હોય છે. જે સુવિધાઓ આદિવાસી સમાજ માટે સ્વપ્ન ને સમાન હતી તે બઘી સુવિધાઓ સફળ યોજનાઓ દ્વારા ગુજરાત સરકારે રાજ્યમાં વસતા દરેક આદિવાસી ભાઈઓ સુધી પહોંચાડી છે. કોરોના જેવા કપરા કાળમાં રાશન અને આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ પણ છેવાડાના લોકો સુધી ગુજરાત સરકાર દ્વારા પહોંચાડવામાં આવી છે.
ઘરે ઘરે “નલ થી જળ” પહોંચ્યું છે. આજે કાચા મકાનમાંથી આદિવાસી ભાઈઓ – બહેનોને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાન મળ્યા છે . દંડક રમેશભાઈ કટારા એ વધુમાં ઉમેર્યું કે આજે આદિવાસી સમાજના કોઈ પણ દીકરા – દીકરી IAS, IPS, IRS જેવા પદે પહોંચી દેશની સેવા કરી શકે તેવું સારું શિક્ષણ તેને પ્રાપ્ત થાય છે. આ નોકરીઓ આદિવાસીઓ ભૂતકાળની સરકારમાં પ્રાપ્ત કરી શકતા ન હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે પણ આદિવાસી વિદ્યાર્થીઓને સકોલરશીપ આપી તેઓના સ્વપ્ન સાકાર કરવાની તક ગુજરાત સરકારે આપી છે. આ ઉપરાંત 316 આદીવાસી વિદ્યાર્થીઓએ વિદેશ અભ્યાસ માટેની તક પ્રાપ્ત કરી છે જેના દ્વારા તેઓ પોતાનું જીવન ધોરણ આજે ઊંચું લાવી શક્યા છે.
વિશ્વ આદિવાસી દિવસની વાત કરતા દંડક રમેશભાઈ કટારા એ સરકારનો આભાર માનતા જણાવ્યું કે સરકારે આદિવાસી ભાઈઓની ચિંતા કરી તેમનો જુસ્સો વધારવા આ દિવસને ઉત્સાહ સભર ઉજવવાનું ચાલુ કર્યું છે. આ દિવસની ઉજવણી થી ગુજરાતના આદિવાસી ભાઈઓની એકતાની પ્રતીતિ થાય છે.
આ કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન દાંડકશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફતેપુરા ખાતે ૩૩૧.૭૨ લાખના ખર્ચે તૈયાર થયેલા ૧૪૦ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું તથા ૨૯૫.૮૬ લાખના ખર્ચે તૈયાર થવાના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થીઓને ૨ લાખ ૪૦ હજારની સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત બોર્ડર વિલેજ યોજનાના લાભાર્થીઓ અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના યોજનાઓના લાભાર્થીઓને દંડકશ્રીના હસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે આદિવાસી સમાજના વિકાસ માટે રાજય સરકાર હંમેશા કટિબધ્ધ રહી છે. આદિવાસી સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે સરકાર સંકલ્પબદ્ધ છે. આદિવાસી સમાજના વિકાસ માટે કરોડોના ખર્ચે સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, રસ્તા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. ગુજરાત સરકારે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં લાવી હતી,જેમાં લગભગ 1 લાખ કરોડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ યોજના હેઠણ 5 લાખ કુટુંબોને “નલ સે જલ”યોજના થકી 98.60% ગામોને જોડવા માં આવ્યા છે.વનબંધુ યોજના 2.0માં 6484 કરોડના ખર્ચે રસ્તા,દવાખાના,શિક્ષણ,વીજ જોડાણ,સોલાર ઉર્જાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
કાર્યક્રમની પૂર્ણાહુતિ યુવકો દ્વારા પારંપરિક આદિવાસી નૃત્ય કરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ અશ્વિન પારગી, તાલુકા પ્રમુખ રમીલાબેન પારગી, ડેપ્યુટી કલેકટર ફાલ્ગુન પંચાલ, ટ્રાઇબલ ડેવલોપમેન્ટ ઓફિસર તનમય પટેલ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસીઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.