NILKANTH VASUKIYA – VIRAMGAM
વિરમગામ પંથકમાં પડી રહેલ વરસાદ તથા ઉપરવાસનું પાણી આવતા વિરમગામ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે અને લોકોને ભોજન બનાવવામાં પણ તકલીફ પડી રહી છે. બોપલના લક્ષ્ય સોસીયલ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા વિરમગામના હાંસલપુર ચોકડી વિસ્તાર, સરાણીયાપરા, મીલ ફાટક ઉજીબાઇની ચાલી જેવા વિસ્તારોમાં પુરી, શાક, વઘારેલી ખીચડીના ભોજનનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સેવા કાર્યમાં બોપલ ઘુમા નગરપાલીકાના કાઉન્સિલર રેખાબેન સરડવા, વૃશાલી દાતાર, ડો.દિપીકા સરડવા, ઉજ્વલા કાનડે, અંકિતા શર્મા, નીલકંઠ વાસુકિયા, વંદના વાસુકિયા સહિત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના કર્મચારીઓ જોડાયા હતા.
બોપલ ઘુમા નગરપાલીકાના કાઉન્સિલર રેખાબેન સરડવા તથા વૃશાલી દાતારે જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિરમગામ પંથકના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ રહેવાના કારણે લોકોને ભોજન તૈયાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિપત્તિના સમયે સહાયતા કરવીએ મનુષ્યનો ધર્મ છે. લક્ષ્ય સોસિયલ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા ઘરે જ શુધ્ધ સાત્વીક પૌષ્ટીક ભોજન તૈયાર કરીને વિરમગામના સેવા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યુ હતુ. યોગાનુયોગ શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ તથા સોમવાર હોવાથી સેવા કાર્ય કરવાનો આનંદ બેવડાઇ ગયો હતો.