– તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા આયોજીત શિબીરમાં જીલ્લા ક્વોલીટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો.સ્વામી કાપડીયાએ માર્ગદર્શન આપ્યુ.
સમગ્ર રાજ્યમાં તા.૦૧/૦૪/૨૦૧૮ થી તા.૧૫/૦૪/૨૦૧૮ સુધી સ્વચ્છતા પખવાડીયાની “સ્વચ્છતા થી સિધ્ધી” અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ખાતે શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ શિબીરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને સ્વચ્છતા અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી અને હેન્ડ વોશિંગની રીત સમજાવવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા આયોજિત શિબીરમાં જીલ્લા ક્વોલીટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. સ્વામી કાપડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી, આયુષ મેડિકલ ઓફિસર ડો.સંગીતા મીર, તાલુકા સુપરવાઇઝર કાન્તિભાઇ મકવાણા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, હાર્દિકા ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જીલ્લા ક્વોલીટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. સ્વામી કાપડીયાએ જણાવ્યુ હતુ કે, સ્વચ્છતાનો સ્વાસ્થ્ય સાથે સીધો સબંધ છે. ખરાબ આરોગ્યનુ મુખ્ય કારણ ગંદકી છે. ૭૦ ટકા જેટલા રોગો માત્ર સારી રીતે હાથ ધોવાથી નિવારી શકાય છે. બાળકોને નાનપણથી જ સ્વચ્છતા બાબતે જાગૃત કરવા જોઇએ. જેથી સ્વચ્છતા તેમની આદત બની જશે અને જીવંત પર્યંત અમલ કરશે.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ ૨જી ઓક્ટોબર થી રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. સ્વચ્છતા રાખવાનું કામ માત્ર સફાઇ કામદારોનું જ નથી પરંતુ સ્વચ્છતા રાખવી એ આપણા સૌની સહિયારી જવાબદારી બને છે. જ્યા ત્યા થુકવું ન જોઇએ, ગાડી માંથી કચરો બહાર ન ફેકવો, કચરો કચરા પેટીમાં જ નાખવો જોઇએ, સુકો અને ભીનો કચરો અલગ રાખવો જોઇએ જેવી બાબતોનો પ્રત્યેક વ્યક્તિએ અમલ કરવો જોઇએ. સ્વચ્છતા સારી હશે તો માંદગી પાછળ થતો મોટો ખર્ચ બચાવી શકાશે.